પ્રેસિડેન્ટ ટ્રમ્પના એક પછી એક સામે આવી રહેલા નિર્ણયો વિશ્વને ચોંકાવી રહ્યા છે. ત્યારે હવે કોલંબિયા રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઘાએ આવી ગયું છે. થોડા સમય પહેલાં પોતાના દેશના ગેરકાયદેસર પ્રવાસીઓને સ્વીકારવાની ના પાડવી તેના પર ભારે પડી છે અને હવે ટ્રમ્પની વાત સ્વીકાર્યા સિવાય છૂટકો પણ નથી. કોલંબિયાની હરકત જોતાની સાથે ટ્રમ્પે તેના પર ટેરિફ લગાવીને ટ્રાવેલ વિઝા પ્રતિબંધિત કરી દીધા. ટ્રમ્પના પગલાં લેતાની સાથે જ હવે કોલંબિયાએ પોતાના નિર્ણય પાછા લઈને અમેરિકાની વાત સ્વીકારી છે.
વાસ્તવમાં અમેરિકામાં હજારોની સંખ્યામાં કોલંબિયન નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. ત્યારે થોડા સમય આગાઉ આ દેશે પોતાના અવૈધ પ્રવાસીઓ ભરેલા અમેરિકન વિમાનોને પોતાની ધરતી પર લેન્ડ નહોતા થવા દીધા. આ જોઈને ડોનાલ્ડ ટ્રમ્પ અકળાઈ ઉઠ્યા હતા અને કોલંબિયા વિરુદ્ધ આકરા પગલાં ભરી લીધા. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે, તેમના કોલંબિયન સમકક્ષ ગુસ્તાવો પેટ્રોએ કરેલા વર્તનથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષામાં અડચણ આવી છે.
કોલંબિયાના વર્તનથી નારાજ ટ્રમ્પે અમેરિકન બજારોમાં વેચાતી કોલંબિયન ઉત્પાદો પર 25% ઈમરજન્સી ટેરિફ લગાવી દીધો, હવે આ પહેલાં પણ ટ્રમ્પ સરકાર ટેરિફમાં 25 ટકાનો વધારો કરી જ ચૂકી છે, ત્યારે આ વધારાનો ટેરિફ લાગ્યા બાદ તે 50%એ પહોંચી ગયો. એટલું જ નહીં, ટ્રમ્પે કોલંબિયા સરકારના અધિકારીઓ અને સહયોગીઓ પર વિઝા પ્રતિબંધ પણ લગાવી દીધો. એક્શન લઈને ટ્રમ્પે કહ્યું હતું કે, “આ માત્ર શરૂઆત છે, અમે કોલંબિયા સરકારને તેની મનમાની નહીં કરવા દઈએ. તેમના જે અધિકારીઓ અહીંયા છે અમે તેમને પણ પરત મોકલી દઈશું.”
ટ્રમ્પના આ પગલાં બાદ હવે કોલંબિયાની સાન ઠેકાણે આવી હોય તેમ તેણે અમેરિકામાં વસતા પોતાના નાગરિકોને સ્વિકારવાની તૈયારી દર્શાવી છે. કોલંબિયાએ લીધેલા નિર્ણય અનુસાર, હવે તે અમેરિકામાં પોતાનું પ્રેસિડેન્શિયલ વિમાન હોન્ડુરાસ મોકલશે. રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ મામલે કહ્યું છે કે, તેઓ તેમના નાગરિકો માટે સન્માન ઈચ્છે છે, તેથી તેમણે સેનાના પ્લેનને નહોતું ઉતરવા દીધું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, અમેરિકા પ્રવાસીઓ સાથે કેદીઓ જેવું વર્તન કરી રહ્યું છે. ત્યારે આખરે અમેરિકાના પગલાં બાદ હવે કોલંબિયા તેની વાત માનવા તૈયાર થઈ ગયું છે.