અમદાવાદમાં આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘કોલ્ડપ્લે’ કોન્સર્ટ યોજાનાર છે ત્યારે તે પહેલાં ડિસ્ટ્રીક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ દ્વારા એક નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં સ્ટેજ પર બાળકોનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવ્યું છે.
આગામી 25-26 જાન્યુઆરીના રોજ આ કોન્સર્ટ યોજાનાર છે. તે પહેલાં ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસમાં ગાયકો અને સમગ્ર બેન્ડને સ્ટેજ ઉપર કોઈ પણ પ્રકારે બાળકોનો ઉપયોગ ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.
ઉપરાંત, કોન્સર્ટમાં જે બાળકો આવે તેમને પણ ઈયરપ્લગ કે અન્ય જરૂરી હિયરિંગ પ્રોટેક્શન વગર પ્રવેશ ન આપવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ સાઉન્ડ લેવલ વિશે પણ ચેતવણી આપવામાં આવી છે અને યોગ્ય લેવલ જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
આગળ જણાવવામાં આવ્યું કે આ તમામ નિયમોનું પાલન કરવામાં આવે તે જવાબદારી આયોજકોની રહેશે અને ઉલ્લંઘનના કિસ્સામાં યુનિટ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. બેન્ડ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે કે કેમ તે હજુ જાણવા મળ્યું નથી.