Tuesday, June 10, 2025
More

    ‘આ વિકસિત ભારતના પાયા અને આત્મનિર્ભરતાનો સુવર્ણ યુગ’: PM મોદી સરકારના 11 વર્ષના કાર્યકાળને લઈને CM યોગીનું નિવેદન, કહ્યું- વડાપ્રધાને વૈશ્વિક સ્તરે ભારતની છબી બદલી નાખી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ (11 Years) થયાને લઈને ભાજપ ઉજવણી કરી રહ્યું છે. આ દરમિયાન ભાજપના નેતૃત્વવાળા રાજ્યોમાં પણ પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે. આ જ ક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) પણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

    તેમણે કહ્યું હતું કે, “PM મોદીના કાર્યકાળના આ 11 વર્ષ આત્મનિર્ભર અને વિકસિત ભારતના પાયા માટે સુવર્ણ યુગ તરીકે ઓળખાશે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “PM મોદીએ વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન મજબૂત કર્યું છે અને ભારતને એક ઓળખ આપી છે… કોંગ્રેસના 65 વર્ષના શાસન અને અસ્થિર સરકારોમાં, સામાન્ય લોકોનો વિશ્વાસ ખોવાઈ ગયો હતો અને વૈશ્વિક સ્તરે ભારતની જે છબી ખરડાઈ હતી, તેને PM મોદીએ છેલ્લા 11 વર્ષમાં પુનઃસ્થાપિત કરી છે.”

    CM યોગીએ આતંકવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “હવે, આપણે 2014 પહેલાના આતંકવાદ પ્રત્યેના આપણા પ્રતિભાવના સ્વભાવમાં ફેરફાર કર્યો છે – કે ભારત શાંતિની તરફેણ કરે છે. PM મોદીએ એક નવો સામાન્ય અભિગમ આપીને, સમગ્ર ખ્યાલ બદલી નાખ્યો છે.”

    આગળ તેમણે કહ્યું કે, “આપણે મિત્રો સાથે શાંતિથી રહીશું, પરંતુ જો કોઈ આપણા પર યુદ્ધ લાદે છે, આપણા દેશમાં આતંકવાદ ફેલાવે છે અને આપણી સુરક્ષા માટે ખતરો બનશે, તો તેનો જવાબ સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને ઑપરેશન સિંદૂર હશે – આપણે મેડ-ઇન-ઇન્ડિયા દ્વારા તે બતાવ્યું છે અને દુનિયાને ભારતની તાકાતનો અહેસાસ થયો છે.”