Wednesday, December 4, 2024
More

    ‘ખડગેજી, મારા પર નહીં, હૈદરાબાદના નિઝામ-રઝાકાર પર કરો ગુસ્સો, જેણે તમારા પરિવારને સળગાવ્યો’: સીએમ યોગીનો કોંગ્રેસ અધ્યક્ષ પર પ્રહાર

    મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) આપેલો ‘બટેંગે તો કટેંગે’નો (Batenge To Katenge) નારો ખૂબ ચર્ચામાં રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ (Mallikarjun Kharge) આ નારાના કારણે સીએમ યોગીની તુલના આતંકી સાથે કરી દીધી હતી. જ્યારે હવે યોગી આદિત્યનાથે પણ મલ્લિકાર્જુન ખડગે પર આકરા પ્રહાર કર્યા છે.

    મહારાષ્ટ્રમાં જનસભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે, “કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી કારણ વગર મારા પર ગુસ્સો કરી રહ્યા છે. ખડગેજી, મારા પર ગુસ્સો ના કરો. હું તો તમારું સન્માન કરું છું. તમારે ગુસ્સો કરવો જ છે તો હૈદરાબાદના નિઝામ પર કરો. જે હૈદરાબાદના નિઝામના રઝાકારોએ તમારા ગામને સળગાવ્યું હતું, હિંદુઓની નિર્મમ હત્યા કરી હતી, તમારા પૂજ્ય માતાને, બહેનને અને પરિવારના સભ્યોને સળગાવ્યા હતા, તેના પર ગુસ્સો કરો.”

    તેમણે વધુમાં કહ્યું કે, “આ વાસ્તવિકતાને દેશ અને દુનિયાની સામે રાખો અને કહો કે, જો ‘બટેંગે તો આ જ રીતે કટેંગે’. તમે વોટબેંક માટે આ વાસ્તવિકતાને દેશની સામે રાખવાથી અળગા રહો છો. દેશની સાથે તમે ગદ્દારી કરી રહ્યા છો. હું તો એક યોગી છું. મેં એક જ વાત શીખી છે કે, દરેક કામ દેશને નામ.”