Saturday, March 15, 2025
More

    મહાકુંભમાં જ્યાં ભાગદોડ થઇ હતી એ સ્થાનની મુલાકાતે પહોંચ્યા CM યોગી: વસંત પંચમીની તૈયારીઓની પણ કરી સમીક્ષા

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) 1 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ મહાકુંભની (Prayagraj Mahakumbh 2025) મુલાકાત લીધી હતી. તથા 29 જાન્યુઆરીએ મહાકુંભમાં જે સ્થાન પર નાસભાગ મચી હતી ત્યાં પણ તેઓ ગયા હતા. તેમણે મહાકુંભનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું. તેઓ 2 ફેબ્રુઆરીએ આવતી વસંત પંચમીની તૈયારીઓની સમીક્ષા માટે મહાકુંભ પહોંચ્યા હતા.

    આ દરમિયાન 29 જાન્યુઆરીએ થયેલ નાસભાગની ઘટના મામલે તેમણે કહ્યું હતું કે “મૌની અમાવસ્યાના પ્રસંગે આપણી સામે આવેલા પડકાર (નાસભાગની ઘટના)નો ધીરજપૂર્વક સામનો કરનારા સંતોને હું અભિનંદન આપું છું. કેટલાક મહાન આત્માઓ તે અકસ્માતનો ભોગ બન્યા હતા, પરંતુ તે પરિસ્થિતિમાં આપણા સંતોએ રક્ષક તરીકે કામ કર્યું.”

    આગળ તેમણે કહ્યું, “આપણે એવા લોકોથી સાવધાન રહેવું પડશે જેઓ સતત આ પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ સનાતન ધર્મનાં મૂલ્યો અને આદર્શો સાથે આગળ વધી રહેલ સનાતન ધર્મ વિરુદ્ધ લોકોને ગેરમાર્ગે દોરવાના અને કાવતરાં ઘડવાના પ્રયાસો કરી રહ્યા છે. જ્યાં સુધી આપણા સંતોનું સન્માન કરવામાં આવે, ત્યાં સુધી કોઈ સનાતનને નુકસાન પહોંચાડી શકે નહીં.”