Saturday, April 26, 2025
More

    ‘દેશનું ચીર હરણ કરવા થઈ રહ્યો છે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ’: કુણાલ કામરાને CM યોગીએ લીધો આડેહાથ

    મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું (Eknath Shinde) નામ લીધા વિના વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાની (Kunal Kamara) મુશ્કેલીઓ વધી રહી છે. તેનો વિરોધ થઈ રહ્યો છે સાથે તેના પર FIR પણ નોંધાઈ ચૂકી છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) પણ ANI સાથેના ઈન્ટરવ્યુમાં કુણાલને આડેહાથ લીધો છે.

    કુણાલ કામરાની ટિપ્પણી અંગેના પ્રશ્ન પર CM યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, “તમારી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ બીજા કોઈ પર વ્યક્તિગત હુમલો કરવા માટે ન થઈ શકે. દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોએ દેશનું ચીર હરણ કરવા અને વિભાજનની ખાડી પહોળી કરવા માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાને પોતાનો જન્મસિદ્ધ અધિકાર માની લીધો છે.”

    નોંધનીય છે કે પોલીસે કામરાને આ મામલાની તપાસ માટે હાજર થવા માટે સમન્સ મોકલ્યું છે. હાલ કુણાલ કામરા મહારાષ્ટ્રની બહાર છે, તેથી આ સમન્સ વોટ્સએપ પર પણ મોકલવામાં આવ્યું છે. કુણાલ કામરાને મંગળવારે સવારે 11 વાગ્યે તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.