Tuesday, March 4, 2025
More

    ‘સરકાર અમારી, એજન્ડા અમારા, તો કામ પણ અમે જ કરીશું’: પહેલા જ દિવસે બધી યોજનાઓ અમલમાં મૂકાવવા માંગતાં આતિશીને સીએમ રેખા ગુપ્તાનો જવાબ

    દિલ્હીમાં નવી ભારતીય જનતા પાર્ટીની સરકારે કામકાજ શરૂ કર્યાના પહેલા જ દિવસે હિસાબ માંગવા માંડેલાં આમ આદમી પાર્ટીનાં નેતા અને પૂર્વ મુખ્યમંત્રી આતિશીને CM રેખા ગુપ્તાએ જવાબ આપ્યો છે. 

    પત્રકારો સાથેની વાતચીતમાં આતિશીના આરોપો પર તેમણે કહ્યું કે, “સરકાર અમારી છે, તમામ એજન્ડા અમારા છે, તો કામ અમને જ કરવા દો. દરેક બાબતમાં સલાહની જરૂર નથી. જ્યારે તેમની સરકાર હતી ત્યારે શું કર્યું હતું?” તેમણે ઉમેર્યું કે, દિલ્હીની જનતાને જે-જે વાયદાઓ કરવામાં આવ્યા છે તે તમામ પૂર્ણ કરવામાં આવશે.  

    ઉલ્લેખનીય છે કે 20 ફેબ્રુઆરીએ શપથગ્રહણ બાદ નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીઓને વિભાગ વહેંચવામાં આવ્યા અને સાથે આયુષ્માન ભારત યોજનાને દિલ્હીમાં લાગુ કરવા સહિતના નિર્ણય લેવાયા. 

    આ બેઠક બાદ આતિશીએ એક વિડીયો બનાવીને આરોપ મૂકતાં કહ્યું કે, ભાજપે મહિલાઓને ₹2500 આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ પહેલી બેઠકમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો. 

    મજાની વાત એ છે કે આતિશી જે પાર્ટીમાંથી આવે છે તે જ AAP પંજાબમાં સત્તા પર છે અને અહીં પાર્ટીએ ચૂંટણી પહેલાં મહિલાઓને ભથ્થાં આપવાની ઘોષણા કરી હતી, પરંતુ હજુ સુધી અમલમાં મૂકવામાં આવી નથી. પરંતુ દિલ્હીમાં તમને પહેલા જ દિવસે કામ થયેલાં જોઈએ છે.