Saturday, March 15, 2025
More

    ‘ચલો કુંભ ચલે’ના નારા સાથે ગુજરાતથી પ્રથમ મહાકુંભ સ્પેશ્યલ બસ રવાના: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બતાવી લીલી ઝંડી

    આખરે ગુજરાતના ભક્તોની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત અને ‘ચલો કુંભ ચલે’ અંતર્ગત પ્રથમ વોલ્વો બસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની લીલી ઝંડી બાદ રવાના થઈ ચૂકી છે. સીએમ પટેલે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી આ બસને રવાના કરાવી હતી. આ બસ ગુજરાતના શ્રદ્ધાળુઓને લઈને મહાકુંભ જશે અને ત્યાંથી પવિત્ર સ્નાન કરાવીને યાત્રાળુઓને લઈને પરત આવશે. હાલ રાણીપથી શરૂ કરવામાં આવેલી આ બસ આગામી દિવસોમાં અલગ-અલગ શહેરોથી શરૂ કરવામાં આવશે.

    નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત બાદ GSRTC અને ગુજરાત પર્યટન વિભાગના સંયોજનથી આ મહાકુંભ સ્પેશ્યલ બસ દોડવામાં આવી રહી છે. માત્ર 8100 રૂપિયામાં ગુજરાતના શ્રદ્ધાળુઓને ચાર દિવસ અને ત્રણ રાતની મહાકુંભ યાત્રા સરકાર દ્વારા કરાવવામાં આવશે. લાંબી યાત્રા દરમિયાન શિવપુરી ખાતે યાત્રાળુઓના રોકાવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. આ બસ યાત્રાળુઓને પવિત્ર સંગમ સ્થાનથી સહુથી નજીકના સ્પોટ સુધી લઈ જશે.

    ઉલ્લેખનીય છે કે, આ સેવા શરૂ થયા બાદથી જ ગુજરાતીઓ તેના બુકિંગ ઓપન થવાની રાહ જોઈ રહ્યા હતા. 26 જાન્યુઆરીના રોજ તેના બુકિંગ સ્લોટ ઓપન થતાની સાથે જ આગામી તમામ 30 દિવસોના બુકિંગ ફૂલ થઈ ગયા હતા. યાત્રીઓના આવા ભારે પ્રતિસાદ વચ્ચે સરકાર વધારાની બસો દોડાવવાનું પણ વિચાર કરી રહી છે. આગામી સમયમાં બની શકે કે સરકાર દ્વારા વધુ બસો દોડાવવામાં આવે.

    નોંધનીય છે કે, પ્રયાગરાજ ખાતે મહાપર્વ મહાકુંભ ચાલી રહ્યો છે અને વિશ્વભરમાંથી કરોડો લોકો અહીં પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અત્યાર સુધી અંદાજે 13 કરોડથી વધુ લોકો મહાકુંભ આવી ચૂક્યા છે, કહેવામાં આવી રહ્યું છે કે, શિવરાત્રીએ સમાપન થતા પહેલાં મહાકુંભમાં અંદાજિત 45 કરોડ લોકો ભાગ લેશે. ભારતની સંસ્કૃતિ ઉજાગર કરતો આ મહાકુંભ વિશ્વનો સહુથી મોટો માનવમહેરામણ છે.