Saturday, July 12, 2025
More

    ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ: 2003માં તત્કાલીન CM મોદીએ કરી હતી શરૂઆત, એનરોલમેન્ટ રેટ 75%થી વધીને થયો 100%

    આજે 26 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) દ્વારા મહીસાગર જિલ્લાના કડાણાની પીએમ મોડેલ સ્કૂલ ખાતેથી ’શાળા પ્રવેશોત્સવ-2025’નો (Shala Praveshotsav 2025) રાજ્યવ્યાપી રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં સભાને સંબોધતા CM ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, “આપણા વડાપ્રધાન શિક્ષણ પર ખાસ ભાર મુકે છે. શાળા, શિક્ષક અને શિક્ષણ જો એક લાઈનમાં આગળ વધે તો જ સમાજ,રાજ્ય અને દેશનું ઉત્થાન છે. વડાપ્રધાન મોદીનો ભારતને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે, અને તેના માટે કોઈ એક ગામ કે શહેર આગળ વધે તો નહિ ચાલે. આ માટે છેવાડાનો માનવી પણ મુખ્ય પ્રવાહમાં આવે એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે”

    CMની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવેલા આ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ 26થી 28 જૂન એમ ત્રણ દિવસ ચાલશે. આ પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં રાજ્યભરના અંદાજે  8.73 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

    નોંધનીય છે કે, શાળા પ્રવેશોત્સવના કારણે ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ આવી છે. વર્ષ 2002-03માં ગુજરાતમાં શાળાઓના પ્રવેશમાં નેટ એનરોલ્મેન્ટ રેટ 75.05 હતો, જયારે કન્યાઓનો નામાંકન દર પણ ખૂબ ઓછો હતો. આ સમસ્યાના નિવારણ માટે વર્ષ 2002-03માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી હતી. જે પછી બીજા જ વર્ષે આ ટકાવારી 95.64% પર પહોચી હતી, અને હાલ એ 100% સુધી પહોચવાની નજીક છે.