Monday, March 17, 2025
More

    ‘પરિણામની ચિંતા કર્યા વિના ભણવા પર આપો ધ્યાન’: ‘પરીક્ષા પે ચર્ચા’ના જીવંત પ્રસારણ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલની વિદ્યાર્થીઓને સલાહ

    10 ફેબ્રુઆરીના રોજ વડપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ‘પરીક્ષા પે ચર્ચા’ (Pariksha pe Charcha) કાર્યક્રમની આઠમી આવૃત્તિમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે વિવિધ વિષયો પર વાતચીત કરી હતી. ત્યારે અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા હતા.

    આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, “21મી સદીમાં આવી ગયા છીએ એટલે ભણ્યા વગર ચાલવાનું નથી. માર્કસ વધુ-ઓછા આવે એમાં આપણે પડવાનું નથી, આપણે ભણવું જરૂરી છે.”

    આગળ તેમણે કહ્યું હતું કે, “રિઝલ્ટ એ પછીની વાત છે, પણ આપણે ભણીએ જ નહીં, આપણે ચોપડી હાથમાં પકડીએ નહીં, બીજી બધી પ્રવૃત્તિઓમાં પડ્યા રહીએ, મમ્મી-પપ્પા બૂમો પાડ્યા કરે, આપણે ટી.વી. જોયા કરીએ, મોબાઈલ જોયા કરીએ, આ બધામાંથી આપણે બહાર નીકળવું જોઈએ.”

    તેમણે વિદ્યાર્થીઓને ભણવા પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. ત્યારપછી શાળાના વિદ્યાર્થીઓ સાથે મળીને PM મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથેની વાતચીત નિહાળી હતી.