ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે એક હોટેલ કંસ્ટ્રક્શન સાઇટ ચપેટમાં આવી ગઈ હતી, જેના 9 શ્રમિકો લાપતા છે. તમામ મૂળ નેપાળના છે અને બાંધકામ સ્થળે કામ કરી રહ્યા હતા. હાલ રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સ્થળ પર કુલ 28 શ્રમિકો કામ કરી રહ્યા હતા. ભારે વરસાદના કારણે 9 લાપતા છે. હાલ તેમને શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઘટના રાત્રે 2 વાગ્યે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામ ત્યાં જ તંબૂ તાણીને રહેતા હતા.
NDRF, SDRF અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી છે અને રાહત-બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામી પણ સતત અધિકારીઓ સાથે સંપર્કમાં છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે અને વાહન-વ્યવહારને પણ અસર પહોંચી છે. જેના કારણે ચારધામ યાત્રા પણ સ્થગિત કરવામાં આવી છે.
રવિ અને સોમવારે ઉત્તરાખંડના અમુક ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે.