Saturday, April 26, 2025
More

    વક્ફ બિલના વિરોધમાં કાળી પટ્ટી બાંધીને નમાજ પઢવા પહોંચ્યા મુસ્લિમ યુવકો, મસ્જિદમાં અંદરોઅંદર જ થઈ ગઈ બબાલ: મારપીટ અને ચાકુબાજી બાદ 3ની ધરપકડ

    મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં રમજાનના છેલ્લા રોજાની નમાજ દરમિયાન મોટો હોબાળો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. બેગમગંજની મકબરા મસ્જિદમાં વક્ફ બિલના વિરોધ દરમિયાન બે મુસ્લિમ પક્ષો જ અંદરોઅંદર બાખડી પડ્યા હતા અને એકબીજા પર ચાકુથી હુમલો કરવા લાગ્યા હતા. કાળી પટ્ટી બાંધવાને લઈને બંને પક્ષો વચ્ચે તકરાર થઈ હતી. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે અને પોલીસે શકીલ અહેમદ પઠાણ, લઈક પઠાણ અને નવેદ પઠાણની ધરપકડ કરી છે.

    માહિતી અનુસાર, શુક્રવારે (28 માર્ચ, 2025) બપોરે 1 વાગ્યે લોકો ઝોહરની નમાજ માટે મસ્જિદમાં એકઠા થયા હતા. એક દિવસ પહેલાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) કાળી પટ્ટી પહેરીને વક્ફ બિલનો વિરોધ કરવાની અપીલ કરી હતી.

    આ અપીલ પર સૈયદ સાવેશ અલી અને તેમના સાથીઓએ કાળી પટ્ટી બાંધી હતી, જેનો મુસ્લિમ તહેવાર કમિટીના પ્રમુખ શકીલ અહેમદ પઠાણે વિરોધ કર્યો હતો. તેમણે સાવેશને કહ્યું કે, પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ રાજકીય વિરોધ માટે મસ્જિદમાં કાળી પટ્ટી બાંધતા પહેલાં સમિતિ પાસેથી પરવાનગી લેવી જોઈતી હતી. જે બાદ બોલાચાલી થઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ.

    શકીલ અહેમદ પઠાણ અને તેમના ભાઈઓ લઈક પઠાણ અને નવેદ પઠાણે સાવેશ અને તેના સાથીઓ પર ચાકુથી હુમલો કરી દીધો હતો. જે બાદ સ્થિતિ વણસી હતી અને મસ્જિદની સપાટી લોહીલુહાણ થઈ ગઈ હતી. આ સાથે જ બેગમગંજ પોલીસ સ્ટેશનમાં શકીલ, લઈક અને નવેદ વિરુદ્ધ BNSની કલમ 296, 115(2), 118(1), 351(2) અને 3(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.