Friday, April 25, 2025
More

    ઈદની નમાજ બાદ ભેટવાની જગ્યાએ બાખડી પડ્યા નમાજીઓ: મેરઠ બાદ હવે નૂંહમાં મુસ્લિમોએ સામસામે ઉપાડ્યા ધોકા, મસ્જિદથી લઈને ખેતર સુધી ભાગમભાગ

    મેરઠ બાદ હરિયાણાના નૂંહમાં પણ મુસ્લિમ સમુદાય અંદરોઅંદર બાખડી પડ્યો છે. ઈદની નમાજ બાદ અહીં ખુલ્લા ખેતરમાં મુસ્લિમો વચ્ચે મારામારી જોવા મળી રહી હતી. હાથમાં ધોકા લઈને એકબીજાને ખુલ્લા ખેતરોમાં દોડાવતા નજરે પડ્યા હતા. આ મારામારીમાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હાલ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

    માહિતી અનુસાર, નૂંહમાં તિરવાડા સ્થિત ઈદગાહમાં ઘટના બનવા પામી હતી. પોલીસ અનુસાર, રમજાનની ઈદ નિમિત્તે સવારની નમાજ માટે આવેલા રાશિદ અને સાજિદ વચ્ચે અંગત અદાવતને લઈને ઝઘડો થયો હતો. જે બાદ બંને સમૂહો સામસામે આવી ગયા હતા અને ખુલ્લા ખેતરમાં એકબીજા પર ધોકા લઈને તૂટી પડ્યા હતા.

    ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બે વ્યક્તિઓની અંગત અદાવતના કારણે બની હતી. આ બંને જૂથોએ વારંવાર એકબીજા વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે. નૂંહ પોલીસ અધિકારી કૃષ્ણકુમારે જણાવ્યું છે કે, જૂની અદાવતને લઈને બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી.

    જેમાં રાશિદ જૂથના મીરૂ, હાફિઝ, જ્યારે સાજિદ જૂથના ખુર્શીદ, આશમીન અને નૂર મોહમ્મદ ઘાયલ થયા હતા. હાલ ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બધા લોકોને સામાન્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે અને પોલીસે પણ ઘટનાની તપાસ શરૂ કરીને કાર્યવાહી તેજ કરી દીધી છે.