Friday, December 6, 2024
More

    ન્યાયતંત્રની સ્વતંત્રતાનો અર્થ એ નથી કે નિર્ણયો ફરજિયાત સરકારની વિરુદ્ધ જ આપવા: CJI ચંદ્રચૂડ

    તાજેતરમાં એક કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે ન્યાયતંત્ર અને કારોબારી પર અગત્યની વાત કહી. તેમણે કહ્યું કે, ન્યાયતંત્ર સ્વતંત્ર છે, પણ તેનો અર્થ એ નથી કે ફરજિયાત સરકાર વિરુદ્ધ જ નિર્ણય સંભળાવવામાં આવે. 

    ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક કાર્યક્રમમાં CJI ચંદ્રચૂડે કહ્યું હતું કે, “સોશિયલ મીડિયાનો વ્યાપ વધવાની સાથે અમુક ‘પ્રેશર ગ્રુપ’ બની ગયાં છે. જો નિર્ણય તેમના પક્ષમાં નહીં આવે તો તેઓ બૂમો પાડવા માંડે છે. ન્યાયિક સ્વતંત્રતાનો અર્થ માત્ર સરકારથી સ્વતંત્ર હોવું એટલો જ થતો નથી, પણ આવાં પ્રેશર ગ્રુપથી પણ ન્યાયતંત્ર સ્વતંત્ર રહે એ જરૂરી છે.”

    તેમણે ઉદાહરણ સાથે સમજાવ્યું કે, “જ્યારે અમે ઇલેક્ટોરલ બોન્ડ પર નિર્ણય આપ્યો તો કહેવામાં આવ્યું કે તમે સ્વતંત્ર છો. પણ જો કોઈ મુદ્દે સરકારના પક્ષે નિર્ણય જાય તો તરત કહી દેવામાં આવે છે કે તમે સ્વતંત્ર નથી. આ સ્વતંત્રતાની વ્યાખ્યા નથી.”

    CJIએ કહ્યું કે, જો નિર્ણય સરકાર વિરુદ્ધ આપવા જેવો હોય તો અમે આપીએ જ છીએ. પણ જો કાયદો જો સરકારના પક્ષમાં હોય તો સરકારના પક્ષમાં જ નિર્ણય આવે છે.