Monday, March 3, 2025
More

    2032માં પૃથ્વી નજીકથી પસાર થશે ‘સીટી કિલર’ એસ્ટેરોઇડ 2024 YR4: મુંબઈ, કોલકાતા સહિતના વિશ્વના મોટા શહેરોને ખતરો- NASAએ આપી માહિતી

    NASAએ તાજેતરમાં જ એક માહિતી આપી છે જે ભારતની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) માટે જોખમ દર્શાવી રહી છે. NASAના વૈજ્ઞાનિકોએ આપેલી માહિતી અનુસાર 2024 YR4 નામક લઘુગ્રહ (Asteroid) પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે, જે વર્ષ 2032માં પૃથ્વીની (Earth) નજીકથી પસાર થશે. આ દરમિયાન તે ભારતના મુંબઈને અથડાય તેવી સંભાવનાઓ NASAએ દર્શાવી છે.

    2024 YR4 એસ્ટેરોઇડ પૃથ્વી પાસેથી પસાર થાય ત્યારે તેની પૃથ્વી સાથે અથડાવાની સંભાવના 3.1% અથવા 32માં 1 છે. આ પહેલાં 7 ફેબ્રુઆરીએ નાસાએ આ એસ્ટરોઇડના પૃથ્વી સાથે અથડાવાની સંભાવના 1.2%થી વધારીને 2.3% કરી હતી. જે પછીથી 2.6% થઈ હતી જે હવે વધીને 3.1% થઈ છે. આ લઘુગ્રહ ચંદ્ર સાથે અથડાવાની શક્યતા પણ 0.3% છે.

    જો અથડામણની શક્યતા હોય, તો આ સ્થળ પૂર્વીય પ્રશાંત મહાસાગર, ઉત્તરીય દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક મહાસાગર, આફ્રિકા, અરબી સમુદ્ર અને દક્ષિણ એશિયામાં ક્યાંક હોઈ શકે છે. આ કટોકટીને ધ્યાનમાં રાખીને, આ સમગ્ર વિસ્તારને ‘જોખમ કોરિડોર’ માનવામાં આવ્યો છે. આ સિવાય આ લઘુગ્રહને ‘સીટી કિલર’ એવું પણ નામ આપવામાં આવી રહ્યું છે.

    આ એસ્ટરોઇડથી સૌથી વધુ જોખમ ધરાવતા શહેરોમાં ભારતના મુંબઈ અને કોલકાતા અને બાંગ્લાદેશની રાજધાની ઢાકાનો સમાવેશ થાય છે. કોલંબિયાની રાજધાની બોગોટા પણ આનાથી પ્રભાવિત થઈ શકે છે. પશ્ચિમ આફ્રિકાનું એક મોટું શહેર આબિજાન, નાઇજીરીયાનું લાગોસ અને સુદાનની રાજધાની ખાર્તુમનો પણ આમાં સમાવેશ થાય છે.

    જોકે YR4 પૃથ્વી સાથે ન અથડાય તેની 96%થી વધુની સંભાવના છે, પરંતુ તેમ છતાં વૈજ્ઞાનિકોના મતે આ લઘુગ્રહને પૃથ્વી માટે મોટું જોખમ માનવામાં આવી રહ્યો છે. કારણ કે તેની ઉર્જા હિરોશીમા, નાગાસાકી પર છોડવામાં આવેલ પરમાણુ બોમ્બ કરતા પણ 500 ગણી વધુ છે.