Tuesday, April 15, 2025
More

    ચર્ચ ઓફ ભારત, કેરળ કાઉન્સિલ ઓફ ચર્ચીસ સહિતની લઘુમતી સંસ્થાઓએ વક્ફ બિલનું કર્યું સમર્થન: માઇનોરિટી મિનિસ્ટર રિજિજુએ સ્વાગત કરતા કહ્યું- વિરોધ કરનારા કરોડોની જમીન કબજાવી બેઠા છે

    2 એપ્રિલ 2025ના રોજ બપોરે 12ના ટકોરે મોદી સરકાર સંસદમાં વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill 2024) રજૂ કરવાની છે. ત્યારે હવે ચર્ચ ઓફ ભારત અને કેરળ કાઉન્સિલ ઓફ ચર્ચીસે પણ વક્ફ બિલને સમર્થન આપ્યું છે. આ અંગે દેશના સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ (Kiren Rijiju) મીડિયા સાથે વાતચીત કરી હતી.

    આ ઉપરાંત તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખ્રિસ્તી સમુદાયના સંગઠનોએ કરેલ બિલના સમર્થનને પણ આવકાર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર ચર્ચ ઓફ ભારત અને કેરળ કાઉન્સિલ ઓફ ચર્ચીસની પ્રેસ રિલીઝ શેર કરી હતી.

    આ ઉપરાંત તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ એક મોટી વાત છે. કારણ કે કેથોલિક બિશપ્સે તેને વાંચ્યું છે અને તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. ઘણા મુસ્લિમો પણ બહુમતીમાં વક્ફ બિલને સમર્થન આપી રહ્યા છે. બધા તેને ટેકો આપી રહ્યા છે. હિંદુ, મુસ્લિમ, જૈન, બૌદ્ધ… બધા જ તેનું સમર્થન કરી રહ્યા છે.”

    નોંધનીય છે કે ચર્ચ ઓફ ભારત અને કેરળ કાઉન્સિલ ઓફ ચર્ચીસ પહેલાં કેથોલિક બિશપ્સ કાઉન્સિલે (KCBC) પણ આ બિલનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદનાશીન કાઉન્સિલના અધ્યક્ષ અને અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખના ઉત્તરાધિકારી સૈયદ નસરુદ્દીન ચિશ્તી અને હજ કમિટીના ચેરમેન કૌસર જહાં પણ આ બિલનું સમર્થન કરી ચૂક્યા છે.

    કિરેન રિજિજુએ બિલનો વિરોધ કરતા લોકો અંગે કહ્યું હતું કે, “વક્ફ સુધારા બિલનો વિરોધ કરનારા એ જ લોકો છે જેમણે કરોડોની કિંમતની વક્ફ જમીન પર કબજો જમાવ્યો છે અને બધા આ વાત જાણે છે. તેથી જ જ્યારે તમે સામાન્ય મુસ્લિમને પૂછો છો, ત્યારે તેઓ આ બિલને સમર્થન આપી રહ્યા છે.”

    તેમણે કહ્યું હતું કે, “હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે બિલનો વિરોધ કરવા માંગતા હો, તો કૃપા કરીને તમારા તર્ક રજૂ કરો. હું દરેક તર્કનો જવાબ આપીશ.” તેમણે આગળ કહ્યું કે, “કેટલાક લોકો જે પોતાને મુસ્લિમોના ઠેકેદાર માને છે, તેમણે મુસ્લિમોને વોટ બેંક તરીકે રાખ્યા છે, તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, “સંસદમાં ડિસ્કસ થશે. ચર્ચા થશે. હું એક-એક મુદ્દાનો જવાબ આપીશ.”