Wednesday, April 16, 2025
More

    ‘ફરી અહીંયા દેખાયો તો પડશે માર’: આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી પ્રચારકો કરી રહ્યા હતા લોકોનું માઇન્ડવોશ, સ્થાનિકોએ કર્યો વિરોધ- વિડીયો વાયરલ

    તાજેતરમાં જ ગુજરાતના તાપી જિલ્લાના ઉકાઈ (Ukai) ખાતેનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્થાનિકો ખ્રિસ્તી મિશનરીઓના પ્રચારકોને (Christian Missionary) રોક્યા હતા. સ્થાનિકોનું કહેવું હતું કે તેમના વિસ્તારમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દરેક ધર્મના લોકો સોહાર્દપૂર્ણ રીતે રહે છે તેથી આવા કોઈ પ્રચારની જરૂર નથી.

    સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં ઉકાઈની પાથરડા કોલોનીમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારકોને રોકવામાં આવ્યા હતા. સ્થાનિકો કહી રહ્યા છે કે, “આ પહેલાં પણ તમને સોનગઢમાં સમજાવવામાં આવ્યા હતા, ત્યારે પણ આવી રીતે પ્રચાર કરવાની ના પાડી હતી.”

    પ્રચારકોનું કહેવું છે કે તેઓ ઈસુ-ખ્રિસ્તનો સંદેશ લઈને ફરી રહ્યા છે. ત્યારે સ્થાનિકોએ કહ્યું હતું કે તેમના વિસ્તારમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ત્રણેય સમુદાયના લોકો રહે છે અને તેઓ દરેક ઉત્સવ સાથે મળીને ઉજવે છે, તેથી તેમના વિસ્તારમાં આવા કોઈ સંદેશની જરૂર નથી. સ્થાનિકોએ કહ્યું હતું કે ફરીથી આ વિસ્તારમાં દેખાતા નહીં.

    સ્થાનિકોએ કહ્યું હતું કે અમને તમારા ધર્મથી કોઈ વાંધો નથી પરતું આવી રીતે જાહેરમાં પ્રચાર ન કરો. આ પ્રચારકોમાં 2 પુરુષો અને 2 મહિલાઓ સામેલ હતી. નોંધનીય છે કે આ પહેલાં તાપી જિલ્લામાંથી આદિવાસી લોકોનું આ રીતે પ્રચારના બહાને માઈન્ડવોશ કરીને મોટા પાયે ધર્માંતરણ કરાતું હોવાના ઘણા મામલા સામે આવી ચૂક્યા છે.

    આ પહેલાં હોળી દરમિયાન તાપી જિલ્લાના સોનગઢમાં કથાકાર મોરારીબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ તાપીમાં આદિવાસીઓનું ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્માંતરણ થતું હોવાનું જણાવ્યું હતું.