ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) અમેરિકન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંશોધક લેક્સ ફ્રિડમેનને (Lex Fridman Podcast) લગભગ 3 કલાકનો ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં PM મોદીએ ભારતની વિદેશ નીતિ, ભારત-ચીન સંબંધો, અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. આ દરમિયાન ભારત-ચીન સંબંધોને લઈને પણ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી, જેનાથી હવે ચીન (China) ખુશ થઈ રહ્યું છે.
PM મોદીએ કહ્યું, “ભારત અને ચીન વચ્ચેના સંબંધો નવા નથી. બંને દેશોની સંસ્કૃતિઓ અને સભ્યતાઓ પ્રાચીન છે. આધુનિક વિશ્વમાં પણ, તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે ઐતિહાસિક રેકોર્ડ પર નજર નાખો, તો સદીઓથી ભારત અને ચીન એકબીજા પાસેથી શીખ્યા છે.”
તેમણે પાડોશી દેશોના સંબંધો અંગે વાત કરતા કહ્યું હતું કે, બે પડોશીઓ વચ્ચે મતભેદો થવા સ્વાભાવિક છે પરંતુ મતભેદો વિવાદોમાં ફેરવાવા જોઈએ નહીં. PM મોદીએ એમ પણ કહ્યું હતું કે, સંઘર્ષને બદલે, અમે વાતચીત પર ભાર મૂકીએ છીએ કારણ કે ફક્ત વાતચીતથી જ સ્થિર અને સહકારી સંબંધ બનાવી શકીએ છીએ.
PM મોદીની આ ટિપ્પણીઓ અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે “તાજેતરના વર્ષોમાં, બંને દેશોના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ સંમતિ સધાઈ છે અને વિવિધ સ્તરે સહયોગ વધ્યો છે.” તેમણે આગળ કહ્યું હતું કે, “પરસ્પર સિદ્ધિઓમાં ભાગીદાર બનવું અને ડ્રેગન (ચીનનું પ્રતીક) અને હાથી (ભારતનું પ્રતીક) વચ્ચે સંબંધ સ્થાપિત કરવો એ ચીન અને ભારત માટે એકમાત્ર યોગ્ય વિકલ્પ છે.”
ઉલ્લેખનીય છે કે, ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે પણ PM મોદીના વખાણ કર્યા હતા. ગ્લોબલ ટાઈમ્સે સિંઘુઆ યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ સ્ટ્રેટેજીના સંશોધન વિભાગના ડિરેક્ટર કિયાન ફેંગને ટાંકીને જણાવ્યું હતું કે, PM મોદીની ટિપ્પણી દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવા અને આગળ વધારવામાં અસરકારક સાબિત થશે.
નોંધનીય છે કે PM મોદીનો આ પોડકાસ્ટ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ટ્રુથ પર શેર કર્યો હતો.