હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ વિપક્ષી દળોએ એક વખત ફરી EVMનો વિલાપ શરૂ કરી દીધો હતો. દરમિયાન ચૂંટણી પંચે 15 ઑક્ટોબરે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી દીધી છે. ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ કહ્યું છે કે, “જનતાએ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લઈને જ તમામ સવાલોના જવાબ આપી દીધા છે. જ્યાં સુધી EVMની વાત છે તો તે 100 ટકા ફુલપ્રૂફ છે. જો વિપક્ષ ફરીથી સવાલ ઊભા કરશે તો અમે તેમને જવાબ આપવા તૈયાર છીએ.”
નોંધવા જેવું છે કે, કોંગ્રેસ નેતા રાશિદ અલવીએ એક નિવેદન આપતા કહ્યું હતું કે, “જે રીતે ઇઝરાયેલે હિઝબુલ્લાહના પેજર્સને હેક કરી લીધા તે રીતે EVMને પણ હેક કરી શકાય છે.” જોકે, આ નિવેદન બાદ હવે ચૂંટણીની તારીખો જાહેર કરતી વખતે ચૂંટણી કમિશનરે તમામ આરોપોને ફગાવી દીધા છે અને EVM 100% સુરક્ષિત હોવાની ખાતરી આપી છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે ત્યાં સુધી કહ્યું છે કે, જો ભવિષ્યમાં પણ વિપક્ષી દળો EVMને લઈને ખોટા આરોપો લગાવશે તો ચૂંટણી પંચ ચોક્કસથી તેનો જવાબ પણ આપશે.