ગેંગસ્ટર છોટા રાજનને (Chhota Rajan) બૉમ્બે હાઈકોર્ટે (Bombay High Court) એક હત્યાના કેસમાં મોટી રાહત આપી છે. કોર્ટે તેની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરીને જામીન આપ્યા છે.
આ કેસ ઉદ્યોગપતિ જય શેટ્ટીની હત્યા મામલેનો છે. 2001ના આ કેસમાં મે, 2024માં ટ્રાયલ કોર્ટે રાજનને ગુનેગાર ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી હતી. જેની સામે તે હાઈકોર્ટમાં ગયો હતો.
હવે હાઈકોર્ટે રાજનની સજા પર રોક લગાવી દીધી છે અને ₹1 લાખના બોન્ડ પર જામીન પણ આપ્યા છે. જોકે, અન્ય પણ ઘણા કેસ ચાલતા હોઈ છોટા રાજન હાલ જેલમાં જ રહેશે.
ઉલ્લેખનીય છે કે 4 મે, 2001ના રોજ ગોલ્ડન ક્રાઉન હોટેલના માલિક જય શેટ્ટીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં પછી છોટા રાજન ગેંગના બે માણસોનું નામ ખુલ્યું હતું. પછીથી સામે આવ્યું કે શેટ્ટી પાસેથી છોટા રાજનની ગેંગનો એક માણસ ખંડણી માંગી રહ્યો હતો અને ન આપવા પર હત્યા કરી નાખી.
છોટા રાજન હાલ તિહાડ જેલમાં બંધ છે અને એક પત્રકારની હત્યા મામલે આજીવન કેદની સજા કાપી રહ્યો છે.