Monday, April 28, 2025
More

    ચેન્નાઈ: એરફોર્સ શો પછી ભીડમાં ગેરવ્યવસ્થાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાતા 4 લોકોના મોત, 100 જેટલા હોસ્પિટલમાં દાખલ

    રવિવારે ઈન્ડિયન એરફોર્સ (IAF) દ્વારા આયોજિત એર શો બાદ ચેન્નાઈમાં ફાટી નીકળેલી અંધાધૂંધીમાં ચાર લોકોના મોત થયા હતા અને બસોથી વધુ લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટના માટે નબળા ભીડ વ્યવસ્થાપન અને અધિકારીઓના ખોટા નિર્ણયોને જવાબદાર ગણવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠની ઉજવણી માટે મરિના બીચ પર એર શો યોજાયો હતો.

    અધિકારીઓએ કહ્યું કે તેઓ લગભગ 10 લાખ લોકોની અપેક્ષા રાખતા હતા અને તે મુજબ વ્યવસ્થા કરી હતી. પરંતુ રવિવારની પરિસ્થિતિ દર્શાવે છે કે વ્યવસ્થા પૂરતી ન હતી, અને પછી સત્તાવાળાઓ શો સમાપ્ત થયા પછી ભીડનું સંચાલન કરવામાં નિષ્ફળ ગયા. શો પૂરો થયા પછી સ્થળ પરથી લોકોને વારાફરથી વહાર નીકળવાના બદલે, તેઓએ એક જ સમયે બધાને જવા દીધા, જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ.

    ભારે ભીડને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ગૂંગળામણ, ગરમીનો થાક અને ડિહાઈડ્રેશનને કારણે 4 લોકોના મોત થયા હતા. 230થી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેમાંથી 96ને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી.