Wednesday, March 5, 2025
More

    મારામારી, તોડફોડ, સ્મોક ગ્રેનેડ અને ટીયર ગેસ…: દ્રશ્યો કોઈ થિયેટરના નહીં પણ સર્બિયન સંસદના, વિપક્ષી નેતાઓએ અંધાધૂંધી સર્જતા અનેક ઘાયલ

    મંગળવારે, 4 માર્ચના રોજ સર્બિયન સંસદમાં (Serbian Parliament) ભારે અરાજકતા (chaos) જોવા મળી હતી. જે દરમિયાન વિપક્ષી સાંસદોએ વિધાનસભા સત્ર દરમિયાન સંસદની અંદર સ્મોક ગ્રેનેડ (smoke grenades) અને ટીયર ગેસ (tear gas) ફેંક્યા હતા. સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટીના (SNS) નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધન સામે વિપક્ષે તેના કાયદાકીય કાર્યસૂચિને આગળ ધપાવીને વિરોધ કર્યા પછી આ હોબાળો થયો હતો, જે જીવંત પ્રસારણમાં કેદ પણ થયો છે.

    લાઈવ ફૂટેજમાં કેટલાક વિપક્ષી નેતાઓ પોતાની બેઠકો પરથી ઉભા થઈને સ્પીકર અન્ના બર્નાબિક તરફ આગળ વધતા અને સુરક્ષા ગાર્ડ્સ સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા. કેટલાક નેતાઓએ સ્મોક ગ્રેનેડ અને ટીયર ગેસ ફેંક્યા, જેના કારણે ગૃહમાં કાળો અને ગુલાબી ધુમાડો ફેલાઈ ગયો હતો.

    સત્રમાં અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી, જેમાં યુનિવર્સિટીઓ માટે ભંડોળ વધારવા માટે કાયદો પસાર કરવાનો સમાવેશ થાય છે, જેના માટે વિદ્યાર્થીઓ ડિસેમ્બરથી વિરોધ કરી રહ્યા છે. સંસદની અંદરનો અંધાધૂંધી ચાર મહિના પહેલા થયેલા એક અકસ્માતને કારણે થયો હોવાનું કહેવાય છે જેમાં એક રેલ્વે સ્ટેશનની છત તૂટી પડી હતી જેમાં 15 લોકો માર્યા ગયા હતા.

    સ્પીકર બર્નાબીકે પુષ્ટિ આપી કે અંધાધૂંધી દરમિયાન ત્રણ રાજકારણીઓ ઘાયલ થયા હતા. સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટીના રાજકારણી જાસ્મિના ઓબ્રાડોવિકને સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને તેમની હાલત ગંભીર છે. જોકે, સ્પીકર બર્નાબીકે કહ્યું કે સંસદ કાર્યરત રહેશે. આ સત્રમાં વડા પ્રધાન મિલોસ વુસેવિકનું રાજીનામું સ્વીકારવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. ટ્રેન સ્ટેશન અકસ્માત અને વિદ્યાર્થીઓના વિરોધની જેમ, સંસદમાં વિપક્ષની પ્રતિક્રિયા શાસક પક્ષના કાર્યસૂચિ પરની કેટલીક બાબતોથી પ્રેરિત હતી.