અમદાવાદના (Ahmedabad) ચંડોળામાં (Chandola) 20 મેથી બીજા તબક્કાની (Second Phase) ડિમોલિશન કાર્યવાહી (Demolition Action) શરૂ થવા જઈ રહી છે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને 19 મેના રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થયા હતા.
ચંડોળા તળાવ વિસ્તાર ઘણા દાયકાઓથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો અડ્ડો બની ગયો હતો. ત્યાં ગેરકાયદે કામો પણ થતાં હતા. કેટલાક ઘૂસણખોરો તો બાંગ્લાદેશી આતંકી સંગઠનો સાથે જોડાઈ ચૂક્યા હતા અને સ્લીપર સેલ્સ તરીકે કામ કરી રહ્યા હતા. આ સાથે જ ડ્રગ્સથી લઈને અન્ય પણ ઘણા પ્રકારના ગેરકાયદેસર કામો થતાં હતા. આ બધી બાબતોને ધ્યાને રાખીને પ્લાનિંગ સાથે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ હતી.
અગાઉના અભિયાનમાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે હવે બીજા તબક્કામાં 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવશે. તેના માટે 25 SRP ટીમો સહિત 3000થી વધુ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવશે. વધુમાં પોલીસે સંભાવના વ્યક્ત કરી છે કે, બે કે ત્રણ દિવસ સુધી આ કાર્યવાહી ચાલશે.