Friday, February 7, 2025
More

    ચંદન ગુપ્તા હત્યાકાંડમાં તમામ 28 દોષીઓને આજીવન કેદની સજા, 2018માં તિરંગા યાત્રા દરમિયાન થઈ હતી હિંદુ યુવાનની કરપીણ હત્યા

    2018માં ઉત્તર પ્રદેશના કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તા નામના હિંદુ યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે 6 વર્ષ બાદ લખનૌ સ્થિત સ્પેશિયલ NIA કોર્ટે 28 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. જેમને શુક્રવારે (3 જાન્યુઆરી) સજા સંભળાવવામાં આવી. 

    કોર્ટે તમામ 28 દોષીઓને આજીવન કેદની સજા ફટકારી છે. દોષીઓની ઓળખ સલીમ, વસીમ, નસીમ, જાહિદ, આશિક કુરેશી, અસલમ, અકરમ, તૌફિક, ખિલ્લન, શબાબ, રાહત, સલામ, મોહસીન, આસિફ, સાકિબ, બબલુ, ઈમરાન, જાફર, સાકીર, ખાલિદ, ફૈઝાન, નિશુ, વસીફ, શમસાદ, ઈમરાન, સાકીર, મુનાઝિર અને આમિર તરીકે થઈ છે. 

    28માંથી એક ડોશી મુનાઝિર અન્ય એક હત્યા કેસમાં પહેલેથી જ જેલમાં સજા કાપી રહ્યો હતો. બાકીના 27 દોષીઓ જામીન પર બહાર હતા. જેમાંથી 26એ ગુરુવારે અને એકે શુક્રવારે સરેન્ડર કર્યું હતું. 

    ઘટના 2018ની છે, જ્યાં હિંદુ સંગઠનો દ્વારા આયોજિત તિરંગા યાત્રાને મુસ્લિમ ટોળાંએ અટકાવીને બબાલ કરી હતી અને ભડકાઉ નારા લગાવ્યા હતા. ચંદન સહિતના યુવાનોએ જ્યારે વાંધો ઉઠાવ્યો ત્યારે તેમની સાથે મારપીટ કરી હતી. જેમાં ચંદનને ગોળી મારી દેવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.