Saturday, April 19, 2025
More

    આંદોલનના નામે રસ્તા રોકીને બેઠા ‘અન્નદાતાઓ’, તેના કારણે ટોલ પ્લાઝા બંધ રહેતાં થયું ₹1639 કરોડનું નુકસાન: ભરપાઈ કરવા પંજાબ સરકારને કેન્દ્રની સૂચના

    પંજાબ-હરિયાણા સરહદો રોકીને બેઠેલા ખેડૂતોના કથિત આંદોલનના કારણે યાતાયાતથી માંડીને ઉદ્યોગો વગેરેને ઘણુંખરું નુકસાન વેઠવું પડ્યું હતું. એક રિપોર્ટ અનુસાર, 2020થી 2024 વચ્ચે થયેલાં આંદોલનોના કારણે નેશનલ હાઈ-વે પરના અમુક ટોલ પ્લાઝા બંધ રહ્યા અને ₹1,639 કરોડનું નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ કરવા કેન્દ્ર સરકારે પંજાબ રાજ્ય સરકારને સૂચના આપી છે. 

    રિપોર્ટ અનુસાર, ચાર એપ્રિલના રોજ કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના સચિવે પંજાબના મુખ્ય સચિવને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરિટીએ આ વળતર ટોલ કલેક્શન એજન્સીઓને ચૂકવવું પડશે અને તે રાજ્ય સરકાર પાસેથી વસૂલવામાં આવશે, કારણ કે ટોલ રેવન્યુ કોન્સોલિડેટેડ ફંડમાં જાય છે. 

    જોકે આ મામલે પંજાબ સરકારે ઊંચા હાથ કરવા માંડ્યા છે. તેમનું કહેવું છે કે ખેડૂતો આંદોલન તો કરી રહ્યા હતા, પણ તે કેન્દ્ર સરકાર વિરુદ્ધ હતું અને રાજ્ય વિરુદ્ધ નહીં, એટલે રાજ્ય પાસેથી વળતર માંગવું જોઈએ નહીં. રાજ્યના નાણામંત્રી હરપાલ ચીમાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે જ NHAI દ્વારા આ વળતર ચૂકવી દેવું જોઈએ. 

    ‘ધ ટ્રિબ્યુન’ના રિપોર્ટ અનુસાર, મંત્રાલયે જણાવ્યું છે કે ઑક્ટોબર 2020થી ડિસેમ્બર 2021 વચ્ચે ₹1,348 કરોડ, 2022-23માં ₹41.83 કરોડ અને જાન્યુઆરી 2024-જુલાઈ 2024માં ₹179.10 કરોડ અને ઑક્ટોબર 2024-નવેમ્બર 2024 વચ્ચે ₹69.15 કરોડનું નુકસાન ગયું છે.