Sunday, March 23, 2025
More

    કેજરીવાલના ‘શીશમહેલ’ની થશે તપાસ: વિગતવાર તપાસ કરીને રિપોર્ટ સોંપવા CPWDને વિજિલન્સ કમિશનનો આદેશ 

    દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પરાજય બાદ હવે સરકારના જૂના કાંડ ખુલવાના શરૂ થયા છે. તાજા સમાચાર એવા છે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાન 6, ફ્લેગસ્ટાફ, જેને મીડિયા અને ઈન્ટરનેટ પર ‘શીશમહેલ’થી વધુ ઓળખવામાં આવે છે, મામલે તપાસના આદેશ આપ્યા છે. 

    વિજિલન્સ કમિશને 13 ફેબ્રુઆરીના રોજ શીશમહેલના રિનોવેશન મામલે અનિયમિતતાઓના આરોપોની તપાસ કરવા માટે આદેશ આપ્યો છે. CPWD દ્વારા આ મામલે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા બાદ આ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા. 

    CVCએ CPWDને 8 એકરમાં ફેલાયેલા આ પરિસરના રિનોવેશનમાં નિયમભંગના આરોપોની વિસ્તૃત તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે આ બંગલો કેજરીવાલ મુખ્યમંત્રી હતા ત્યારે સત્તાવાર નિવાસસ્થાન તરીકે વાપરતા હતા. તેઓ અહીં પરિવાર સાથે રહેતા હતા. 2015થી 2024 દરમિયાન આ સરકારી બંગલો તેમનું નિવાસસ્થાન રહ્યો. 

    વર્ષ 2020-21માં જ્યારે દુનિયા કોરોનાનો સામનો કરી રહી હતી ત્યારે કેજરીવાલે પોતાના આ નિવાસસ્થાનનું રિનોવેશન કરાવ્યું હતું અને એ પણ કરોડો રૂપિયાના ખર્ચે. પછીથી આ શીશમહેલની પોલ ખુલી ગઈ અને મીડિયામાં વિગતો આવવા માંડી. ત્યારબાદ તપાસ શરૂ થઈ હતી. સપ્ટેમ્બર 2024માં કેજરીવાલે મુખ્યમંત્રી પદ છોડી દીધું હતું અને આતિશીને નવા સીએમ બનાવવામાં આવ્યાં હતાં, પરંતુ આતિશી અહીં શિફ્ટ થયાં ન હતાં.