કોરોના મહામારીના કારણે પાછળ ઠેલાયેલી વસ્તી ગણતરી આખરે 2027માં થઈ શકે તેવા અહેવાલો મળી રહ્યા છે. જે મુજબ 1 માર્ચ, 2027થી ગણતરીની પ્રક્રિયા શરૂ થશે. આ ગણતરી બે તબક્કામાં થશે.
કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે. જે મુજબ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 1 ઑક્ટોબર, 2026ના રોજથી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે બાકીના ભાગોમાં 1 માર્ચ, 2027ના રોજથી ગણતરી શરૂ થશે.

સેન્સસ એક્ટ 1948ની જોગવાઈઓ અનુસાર આ બાબતનું સત્તાવાર નોટિફિકેશન 16 જૂન, 2025 આસપાસ બહાર પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. અંતિમ ગણતરી 2011માં યોજાઈ હતી. ત્યારબાદ નિયમાનુસાર 2021માં ફરીથી ગણતરી કરવી પડે છે. પરંતુ 2020માં કોરોનાએ વિશ્વભરને બાનમાં લઈ લીધું અને ભારત પણ પ્રભાવિત થયું, જેથી ત્યારે ગણતરી શક્ય ન બની.
કોરોના મહામારીમાંથી બહાર આવવામાં દેશને બે-ત્રણ વર્ષ લાગ્યાં અને ત્યારબાદ 2024ની લોકસભા ચૂંટણી યોજાઈ. હવે વસ્તી ગણતરી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ વખતે વસ્તી ગણતરી સાથે જાતિગત વસ્તી ગણતરીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર પહેલાં જ પરવાનગી આપી ચૂકી છે.