ગાઝા પટ્ટીમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલતું યુદ્ધ અટકાવવા માટે આતંકવાદી સંગઠન હમાસ અને યહૂદી દેશ ઇઝરાયેલ વચ્ચે થયેલ શાંતિકરારનો અમલ હજુ શરૂ થઈ શક્યો નથી. વાત ઇઝરાયેલી બંધકોની યાદી પર આવીને અટકી છે. બીજી તરફ, ગાઝામાં ઇઝરાયેલી સેનાએ હુમલાઓ ચાલુ જ રાખ્યા છે.
ઇઝરાયેલની સેનાનું કહેવું છે કે યુદ્ધવિરામનો અમલ શરૂ ન થાય ત્યાં સુધી તેઓ ગાઝામાં ઑપરેશન ચાલુ રાખશે. IDF તરફથી કહેવામાં આવ્યું છે કે, હમાસ યુદ્ધવિરામની શરતોનું પાલન કરી રહ્યું નથી અને તેમણે આજે જેમને મુક્ત કરવામાં આવનાર છે એ બંધકોની યાદી પણ ઇઝરાયેલને આપી નથી.
આગળ જણાવવામાં આવ્યું કે, હમાસ જ્યાં સુધી શરતોનું પાલન ન કરે ત્યાં સુધી યુદ્ધવિરામનો અમલ ન થાય તેવી વડાપ્રધાન (નેતન્યાહુ) તરફથી સૂચના છે. જેથી ત્યાં સુધી IDF પોતાની કાર્યવાહી ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે જ ઇઝરાયેલી કેબિનેટે યુદ્ધવિરામને મંજૂરી આપી હતી. જે અનુસાર, હમાસ ઇઝરાયેલી બંધકોને છોડશે અને આ તરફથી પેલેસ્ટેનિયન કેદીઓ અને આતંકવાદીઓને મુક્ત કરવામાં આવશે.