Saturday, April 26, 2025
More

    કેન્દ્ર સરકારે 307 ATAGS તોપો ખરીદવાની આપી મંજૂરી, ₹7000 કરોડમાં થશે સોદો: DRDO દ્વારા મેક ઇન ઇન્ડિયા અંતર્ગત વિકસાવાઈ

    19 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સેના માટે એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS) ખરીદવા માટે લગભગ ₹7,000 કરોડના સોદાને મંજૂરી આપવામાં આવી હતી.

    TOIના અહેવાલ અનુસાર આ સોદા પર આવતા અઠવાડિયામાં હસ્તાક્ષર થાય એવી સંભાવનાઓ છે. DRDO દ્વારા ડિઝાઇન અને વિકસિત 155mm/52-કેલિબર ATAGS નું ઉત્પાદન ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા કરવામાં આવશે. 60% બંદૂકોનું ઉત્પાદન ભારત ફોર્જ કરશે, જ્યારે બાકીના 40%નું ઉત્પાદન ટાટા કરશે.

    આ સોદામાં 45-48 કિલોમીટરની રેન્જ ધરાવતી 307 તોપોનો આર્ડર આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે CCS તરફથી મંજૂરી મળ્યા પછી ATAGSનો સોદો આ નાણાકીય વર્ષમાં કરવામાં આવશે. ભવિષ્યમાં ATAGS ઓર્ડર વધવાની શક્યતા છે કારણ કે સેનાને આવી કુલ 1,580 બંદૂકોની જરૂરિયાત છે.

    નોંધનીય છે કે ભારતને ATAG નિકાસ કરવા માટે 5 ઓર્ડર મળ્યા છે. અધિકારીઓ અનુસાર ATAG અન્ય બંદૂકોની તુલનામાં પાંચ-રાઉન્ડ બર્સ્ટ ફાયર કરી શકે છે. ATAGS બનાવવાની પ્રક્રિયા 2013માં શરૂ થઈ હતી, છેલ્લા કેટલાક વર્ષોમાં તેના ઘણા પરીક્ષણો થયા બાદ તેને મંજૂરી આપવામાં આવી છે.