Thursday, July 10, 2025
More

    સંદેશખાલીમાં 2019ની ચૂંટણી બાદ થયેલી હિંસા મામલે CBIએ શરૂ કરી તપાસ, પૂર્વ TMC નેતા શાહજહાં શેખ વિરુદ્ધ FIR

    સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (CBI) બંગાળમાં 2019ની ચૂંટણી બાદ થયેલી હિંસા મામલેના એક કેસમાં તપાસ હાથ પર લઈને તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ નેતા શાહજહાં શેખ સામે FIR દાખલ કરી છે. 

    2019માં સંદેશખાલીમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં ભાજપના ત્રણ કાર્યકર્તાઓ પ્રદીપ મંડલ, દેવદાસ મંડલ અને સુકાંત મંડલની હત્યા કરી નાખવામાં આવી હતી. 30 જૂનના રોજ આ મામલે કલકત્તા હાઇકોર્ટે એક આદેશ આપ્યા બાદ CBIએ આ મામલે પૂર્વ TMC નેતા શેખ શાહજહાં સહિતના આરોપીઓ સામે FIR દાખલ કરી છે. શાહજહાંને મુખ્ય આરોપી બતાવવામાં આવ્યો છે. 

    આ કેસની તપાસ પહેલાં પશ્ચિમ બંગાળ પોલીસની CBI કરી રહી હતી, પરંતુ મૃતકોના પરિજનોએ અવિશ્વાસ દાખવીને કોર્ટ સમક્ષ અરજી કરીને CBI તપાસની માંગ કરી હતી. ત્યારબાદ કોર્ટે CBI તપાસનો આદેશ આપ્યો. 

    ઉલ્લેખનીય છે કે શેખ શાહજહાં અન્ય એક કેસમાં જાન્યુઆરી 2024થી જેલમાં બંધ છે. તેના નિવાસસ્થાને દરોડા પાડવા ગયેલી EDની ટીમ પર હુમલા મામલે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે મહિલાઓના યૌનશોષણ અને લેન્ડ ગ્રેબિંગ મામલે પણ કેસ નોંધવામાં આવ્યો હતો.