આમ આદમી પાર્ટીના (AAP) નેતા અને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના (Durgesh Pathak) રાજેન્દ્ર નગર સ્થિત નિવાસસ્થાને 17 એપ્રિલ, 2025ના રોજ કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ રેડ (CBI Raid) પાડી હતી. આ દરોડા વિદેશી ફાળો નિયમન અધિનિયમના (FCRA) ઉલ્લંઘન સંબંધિત કેસમાં પાડવામાં આવ્યા, જે 16 એપ્રિલ, 2025ના રોજ નોંધાયો છે.
CBIની ટીમે લગભગ 3-4 કલાક સુધી પાઠકના ઘરની તપાસ કરી. આ દરમિયાન આધાર કાર્ડની ફોટોકોપીઓ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત લેપટોપ અને મોબાઈલ ફોન જેવાં ઉપકરણો જપ્ત કરાયાં, જે FCRA કેસ સાથે સંબંધિત પુરાવા તરીકે તપાસવામાં આવશે. આ સિવાય કેટલાક કાગળો અને ફાઈલો જપ્ત કરાયાં, જેમાં નાણાકીય લેવડદેવડની વિગતો હોવાનું મનાય છે.
घर पर रेड पड़ने के बाद AAP नेता दुर्गेश पाठक ने ये क्या कह दिया ? #DurgeshPathak #AamAadmiparty #AAPDelhi @abhayparashar pic.twitter.com/OlHjpmSQgj
— India TV (@indiatvnews) April 17, 2025
જોકે આ દરોડા બાદ પાઠકે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો હતો કે CBIને તેમના ઘરેથી કોઈ ગેરકાયદેસર રોકડ, આભૂષણો કે અન્ય સંપત્તિ મળી નથી.
દુર્ગેશ પાઠક પર આરોપો
CBIની FIR અનુસાર, પાઠક અને AAPના અન્ય કાર્યકર્તા કપિલ ભરદ્વાજ પર FCRA 2010 અને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951ના ઉલ્લંઘનના આરોપો છે. આ ઉપરાંત વિદેશી ભંડોળનો ગેરકાયદે ઉપયોગ કરવાનો પણ આરોપ છે.
આરોપ છે કે AAPએ વિદેશી ફડર્સની ઓળખ છુપાવીને ભંડોળ એકત્ર કર્યું હતું. 2015માં કેનેડામાં યોજાયેલા ફંડરેઝિંગ ઈવેન્ટમાં 15,000 કેનેડિયન ડોલર અને 2016માં ટોરોન્ટોમાં $11,786 એકત્ર થયા હતા જેની વિગતો છુપાવાઈ હતી. આ સિવાય એવો પણ આરોપ છે કે દાતાઓની વિગતો હાથે લખેલા ડેટા શીટ્સમાં નોંધાઈ અને ઈમેલ દ્વારા AAP નેતાઓને મોકલાઈ, જે FCRAના નિયમોનું ઉલ્લંઘન છે.
આ સિવાય 2023ના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રિપોર્ટમાં પાઠકના ખાતાઓમાં સંદિગ્ધ વિદેશી ભંડોળનો ઉલ્લેખ છે. પરંતુ દરોડા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાઠકે આ દરોડાને ભાજપની ‘રાજકીય ચાલ’ ગણાવી હતી.