અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના મૃત્યુનાં સાડા ચાર વર્ષ બાદ આ મૃત્યુના કેસની તપાસ કરતી એજન્સી CBIએ ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરી દીધો છે. એજન્સીએ જણાવ્યું કે અભિનેતાએ આત્મહત્યા જ કરી હતી અને તેની પાછળ ન કોઈ દુષ્પ્રેરણા હતી કે ન કોઈ વ્યક્તિનો હાથ હતો. તેની સાથે જ એક્ટર રિયા ચક્રવર્તી અને તેના પરિવારને પણ ક્લીન ચિટ આપી દેવાઈ છે.
એજન્સી બે કેસમાં તપાસ કરી રહી હતી અને બંનેમાં ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યા છે. એક કેસ અભિનેતાના પિતાએ રિયા ચકવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ આપેલી ફરિયાદ પર આધારિત હતો અને બીજો કેસ રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેનો અને ડૉક્ટર સામે દાખલ કરેલી ફરિયાદ પરનો હતો. બંને કેસમાં ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરી દેવામાં આવ્યા.
CBIએ ઑગસ્ટ 2020માં બિહાર પોલીસ પાસેથી કેસ હાથ પર લીધો હતો. સુશાંતના પિતાએ પટનામાં રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર સુશાંતને માનસિક ત્રાસ આપવાનો, દવાઓ આપવાનો અને પૈસા પડાવી લેવા માટે શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ બિહાર પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનો કેસ નોંધ્યો અને એ કેસ પછીથી CBI પાસે ગયો.
એજન્સીની સાડા ચાર વર્ષની તપાસમાં એવું કંઈ સામે આવ્યું નથી જેનાથી એ નિષ્કર્ષ પર પહોંચી શકાય કે અભિનેતાની હત્યા થઈ હતી કે આત્મહત્યા કરી હોય તો તેની પાછળ કોઈની દુષ્પ્રેરણા હતી. AIIMSની ફોરેન્સિક ટીમે પણ જણાવ્યું હતું કે અભિનેતાની હત્યા થઈ નથી પરંતુ આ કેસ આત્મહત્યાનો છે.
CBIએ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીન ચિટ આપી છે. બંને FIRમાં નામિત તમામને એજન્સીએ આરોપોમાંથી મુક્ત કર્યા છે. આ ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા બાદ બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે મામલાની સુનાવણી 8 એપ્રિલના રોજ મુકરર કરી છે. જો કોર્ટ આ રિપોર્ટ સ્વીકારી લે તો કેસ બંધ થઈ જશે.