Wednesday, June 25, 2025
More

    કિરુ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ્સ કેસમાં CBIએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સામે દાખલ કરી ચાર્જશીટ

    કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ ગુરુવારે (22 મે) જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સામે એક કેસમાં ચાર્જશીટ રજૂ કરી છે. આ કેસમાં મલિક સહિત કુલ 6 વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા છે. 

    મામલો કિરુ હાયડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ કેસમાં થયેલા ભ્રષ્ટાચાર મામલેનો છે. કિશ્તવારના આ પ્રોજેક્ટના ટેન્ડરિંગ માટેની પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવતાં એજન્સીએ તપાસ શરૂ કરી હતી. સમગ્ર પ્રોજેક્ટનું સિવિલ વર્ક લગભગ 2200 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવનાર હતું, જેના કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાના આરોપો લાગ્યા હતા. 

    એજન્સીએ આ મામલે એપ્રિલ 2022માં બે FIR દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ સત્યપાલ મલિકના નિવાસસ્થાને પણ દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. ત્રણ વર્ષની તપાસ બાદ આખરે એજન્સીએ આરોપપત્ર દાખલ કરી દીધું છે. 

    બીજી તરફ સત્યપાલ મલિકે એક પોસ્ટ કરીને કહ્યું કે તબિયત લથડી હોવાના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

    હૉસ્પિટલની પથારીએથી એક ફોટો પોસ્ટ કરીને તેમણે લખ્યું કે, “ઘણા શુભચિંતકોના ફોન આવી રહ્યા છે, પરંતુ હું ઉપાડવામાં અસમર્થ છું. મારી હાલત અત્યંત ખરાબ છે અને હું હાલ રામમનોહર લોહિયા હોસ્પિટલ દિલ્હીમાં દાખલ થયો છું. કોઈની સાથે પણ વાત કરી શકું તેમ નથી.”