Sunday, January 26, 2025
More

    ફિલ્મના પ્રીમિયરમાં ભાગદોડમાં એક મહિલાના મોત બાદ હૈદરાબાદમાં અલ્લુ અર્જુન સામે પણ FIR

    તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા-2’ના સ્ક્રીનીંગ દરમિયાન હૈદરાબાદના એક થીએટરમાં નાસભાગ મચી જવાના કારણે એક મહિલાનો જીવ ગયો હતો. હવે આ મામલે અભિનેતા અલ્લુ અર્જુન અને થીએટર માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    આ ઘટના બુધવારે (4 ડિસેમ્બર) હૈદરાબાદના સંધ્યા થીએટરમાં બની હતી. અહીં ફિલ્મનું પ્રીમિયર આયોજિત કરવામાં આવ્યું હતું. અહીં અલ્લુ અર્જુન પણ આવશે તેવી અગાઉથી જાણ કરવામાં આવી ન હતી અને અચાનક તેઓ ફેન્સ વચ્ચે પહોંચી ગયા હતા, જેના કારણે ભીડમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને એક નવ વર્ષીય બાળક બેભાન થઈ ગયું હતું. 

    ઘટના બાદ મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પર હાજર તબીબોએ તેને મૃત ઘોષિત કરી હતી. તે પતિ અને બાળકો સાથે ફિલ્મ જોવા માટે આવી હતી. 

    હવે આ મામલે અલ્લુ અર્જુનને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને થીએટર સંચાલકોની સાથે તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.