Sunday, May 18, 2025
More

    રાજ્યના તમામ સરકારી કર્મચારીઓની રજા રદ: સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનો નિર્ણય, પૂર્વ મંજૂરી વગર નહીં છોડી શકાય મુખ્ય મથક

    ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને સરહદી રાજ્યો પણ એલર્ટ મોડમાં આવી ગયા છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ સિવાય ગુજરાત અને રાજસ્થાન પણ હાઇ એલર્ટ મોડમાં છે. તેવામાં પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરી દીધી છે. કોઈપણ પ્રકારની રજાને હાલ રદ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, રાજ્ય સરકારના તમામ વિભાગો અને કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્વાયત્ત અને ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક રદ કરવામાં આવી છે.

    સંબંધિત વિભાગો અથવા કચેરીઓના વડાઓને પણ સૂચનો આપવામાં આવ્યા છે કે, હાલ રજા પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક અસરથી ફરજ પર પરત ફરે. વધુમાં અધિકારીઓ અને કર્મચારીઓને વિભાગના વડાની પૂર્વ મંજૂરી વિના મુખ્ય મથક ન છોડવાની સૂચના પણ આપવામાં આવી છે.