તાજેતરમાં જ કેનેડાના એક અખબારે રિપોર્ટ પ્રકાશિત કરીને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જોડ્યું હતું, પણ હવે કેનેડાની સરકારે હાથ ઊંચા કરી લીધા છે અને રિપોર્ટને ખોટો ગણાવીને કહ્યું છે કે, તેમની પાસે ભારતના વડાપ્રધાન, વિદેશ મંત્રી કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની આ હત્યા સાથે લિંક સ્થાપિત કરવા માટે કોઈ પુરાવા નથી કે ન તેમનું માનવું છે કે આ લોકો સંલિપ્ત હોય શકે.
આ રિપોર્ટ કેનેડાના અખબાર ‘ધ ગ્લોબ એન્ડ મેઇલ’માં પ્રકાશિત થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો કે, આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા વિશે વડાપ્રધાન મોદીને પણ તમામ જાણકારી હતી. રિપોર્ટમાં NSA ડોવાલનો પણ ઉલ્લેખ હતો.
જોકે, હવે કેનેડિયન સરકારે આ રિપોર્ટથી અંતર બનાવી લીધું છે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, “કેનેડામાં ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે વડાપ્રધાન મોદી, મંત્રી જયશંકર કે NSA ડોવાલનું કોઈ જોડાણ હોય તેવું કેનેડાએ ક્યારેય કહ્યું નથી કે ન અમારી પાસે તેના કોઈ પુરાવા છે. જો આ પ્રકારે કોઈ પણ વાત થતી હોય તો એ શંકાસ્પદ પણ છે અને પાયાવિહોણી પણ છે.”