કેનેડાની (Canada) જસ્ટિન ટ્રુડો સરકારે ઑસ્ટ્રેલિયાના જાણીતા મીડિયા આઉટલેટ ‘ઑસ્ટ્રેલિયા ટુડે’ (Australia Today) પર પ્રતિબંધ મૂકી દીધો છે. કારણ માત્ર એટલું છે કે મીડિયા સંસ્થાએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની એક પ્રેસ કૉન્ફરન્સનું પ્રસારણ કર્યું હતું.
આ પ્રેસ કૉન્ફરન્સમાં વિદેશ મંત્રીએ કેનેડા સાથેના રાજદ્વારી તણાવને લઈને નિવેદન આપ્યું હતું અને કોઈ પણ પુરાવા વગર આરોપ લગાવતા કેનેડા સામે ભારત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ત્યારબાદ કેનેડાની સરકારે મીડિયા સંસ્થા ઑસ્ટ્રેલિયા ટુડે પર પ્રતિબંધ મૂકી દીધો.
વિદેશ મંત્રાલયે આ નિર્ણયને ટાંકીને કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે કેનેડાની સરકારનાં બેવડાં વલણ અપનાવી રહી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, “અમને જાણવા મળ્યું છે કે એક મહત્વપૂર્ણ ડાયસ્પોરા આઉટલેટનાં સોશિયલ મીડિયા હેન્ડલો અને પેજને કેનેડામાં બ્લૉક કરી દેવામાં આવ્યાં છે. હૅન્ડલે વિદેશ મંત્રી ડૉ. જયશંકરની પ્રેસ કૉન્ફરન્સનું પ્રસારણ કર્યાના થોડા જ કલાકોમાં આવું બન્યું હતું.” નોંધવું જોઈએ કે આ પ્રેસ કૉન્ફરન્સ ઑસ્ટ્રેલિયન વિદેશ મંત્રી સાથે યોજવામાં આવી હતી.