બૉલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘સનમ તેરી કસમ’ના કલાકારો વચ્ચે એક વિવાદ શરૂ થઈ ગયો છે. ફિલ્મનો પાર્ટ-2 બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો છે. ત્યારથી ફિલ્મના કો-એક્ટર બૉલીવુડ અભિનેતા હર્ષવર્ધન રાણે અને પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેન સોશિયલ મીડિયા પર એકબીજા પર હુમલો કરી રહ્યા છે. નોંધનીય છે કે, ભારત સરકારના આદેશ મુજબ માવરા હોકેનના ઇન્સ્ટાગ્રામ પર ભારતમાં પ્રતિબંધ છે.
હકીકતમાં માવરા હોકેને ઇન્સ્ટાગ્રામ પર ભારતના ઑપરેશન સિંદૂર વિશે પોસ્ટ કરી હતી અને તેને ‘કાયરતાપૂર્ણ’ ગણાવીને તેની નિંદા કરી હતી. આના જવાબમાં હર્ષવર્ધન રાણેએ ‘સનમ તેરી કસમ પાર્ટ 2’માં કો-એક્ટ્રેસ માવરા સાથે કામ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ પછી માવરાએ તેને પીઆર સ્ટંટ ગણાવ્યો હતો. હવે હર્ષવર્ધને આ ટિપ્પણીને વ્યક્તિગત હુમલો ગણાવ્યો છે.

આ ઉપરાંત ફિલ્મ મેકર્સ રાધિકા રાવ અને વિનય સપ્રુ પણ પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેનને ફિલ્મથી દૂર રાખવા સંમત થયા છે. તેમણે કહ્યું છે કે, “સરહદ પાર આતંકવાદના કારણે દાયકાઓથી નિર્દોષ ભારતીયો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. અમે અમારી સરકારના નિર્ણય સાથે સંપૂર્ણપણે સહમત છીએ. પાકિસ્તાની કલાકારોને એક પણ રૂપિયો ન આપવો જોઈએ.”