કલકત્તા હાઈકોર્ટે (Calcutta High Court) એક કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે જ્યારે કોઈ પુખ્ત છોકરી સ્વેચ્છાએ કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ (Sex) બાંધે છે ત્યારે તે પુરુષને લગ્નના બહાને બળાત્કારનો (Rape) દોષી ઠેરવી શકાય નહીં. કોર્ટે કહ્યું કે પીડિતા પુખ્ત હોવાને કારણે તે જાણતી હતી કે જો વ્યક્તિ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરશે તો તેની વ્યાપક અસરો થશે. તે લગ્નના વચનનો ભોગ બની શકે નહીં.
આ કેસમાં, પીડિતા આરોપી સાથે પ્રેમ સંબંધમાં હતી અને બંને એકસાથે ઘરેથી ભાગી પણ ગયા હતા. યુવતીનો આરોપ છે કે લગ્નનું વચન આપ્યા બાદ આરોપી તેના માતા-પિતાની ગેરહાજરીમાં ઘણી વખત તેના ઘરે આવ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના કારણે તે ગર્ભવતી બની હતી. આ પછી પીડિતાએ લગ્ન માટે કહ્યું, પરંતુ આરોપીએ લગ્ન કરવાની ના પાડી અને ગર્ભપાત માટે કહ્યું હતું.