કલકત્તા હાઇકોર્ટે શુક્રવારે (11 એપ્રિલ) એક હિંદુ સંગઠનની અરજી પર સુનાવણી કરતી વખતે હનુમાન જયંતી પર રેડ રોડ વિસ્તારમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હતો.
કોર્ટે કહ્યું કે, જ્યારે કોઈ પ્રથમ વખત જાહેર સ્થળે ધાર્મિક પ્રવૃત્તિ કરવા માટે દાવો કરે અને પ્રશાસન પરવાનગી ન આપે તો તેમણે કોર્ટ સમક્ષ જઈને પોતાનો દાવો સાબિત કરવો પડે છે. આ માટે બંને પક્ષેથી એફિડેવિટ દાખલ કરવામાં ન આવે ત્યાં સુધી નિર્ણય ન થઈ શકે. કોર્ટે બંને પક્ષોને આ મામલે એફિડેવિટ દાખલ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં વચગાળાનો આદેશ આપીને પરવાનગી આપવાની ના પાડી દેવામાં આવી.
સંગઠને કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે, જે સ્થળ માટે પરવાનગી માંગવામાં આવી રહી છે તે આર્મીના સંચાલન હેઠળ છે અને તેમણે પરવાનગી આપી દીધી છે. પરંતુ પોલીસ ઇનકાર કરી રહી હતી. જોકે પોલીસે પછીથી પરવાનગી આપી, પરંતુ સ્થળ બીજું હતું. ત્યારબાદ હિંદુ સંગઠને કોર્ટના દરવાજા ખખડાવ્યા.
કોર્ટને એમ પણ જણાવવામાં આવ્યું કે આ જ સ્થળે 31 માર્ચના રોજ મુસ્લિમોને ઈદની નમાજ પઢવા માટે પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી નહીં. બીજી તરફ, મમતા બેનર્જી સરકારે પણ સંગઠનની અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે જ્યાં સુધી સ્થળનું ધાર્મિક મહત્ત્વ ન હોય ત્યાં સુધી કોઈ જાહેર સ્થળનો આ રીતે ઉપયોગ કરી શકે નહીં.