મહારાષ્ટ્રમાં (Maharashtra) દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં મહાયુતિ સરકાર રચાયા બાદ હવે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રવિવાર (15 ડિસેમ્બર) નાગપુર સ્થિત રાજભવન ખાતે રાજ્યપાલે મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.
કુલ 30થી વધુ ધારાસભ્યોએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા છે. જેમાં જાણીતાં નામોમાં ચંદ્રશેખર બાવનકુલે, ચંદ્રકાન્ત પાટિલ, આશિષ શેલાર, પંકજા મુંડે, નિતેશ રાણે, ઉદય સામંત, ગુલાબરાવ પાટીલ વગેરે નેતાઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત 5 ડિસેમ્બરના રોજ મુંબઈના આઝાદ મેદાન ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રીઓ અજિત પવાર અને એકનાથ શિંદેએ શપથ લીધા હતા. પરંતુ ત્યારે મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
પછીથી ત્રણેય પાર્ટીઓએ ચર્ચા-વિચારણા કરીને મંત્રીઓનાં નામ નક્કી કરવામાં આવ્યાં હતાં. હવે ટૂંક સમયમાં આ મંત્રીઓને તેમના વિભાગોની વહેંચણી કરવામાં આવશે.