Wednesday, December 4, 2024
More

    અંતિમ ચુકાદામાં CJI ચંદ્રચૂડે બુલડોઝર એક્શન પર ઉઠાવ્યા સવાલ, કાર્યવાહીને ગણાવી ‘અસ્વીકાર્ય’

    મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ (DY Chandrachud) 2 વર્ષના કાર્યકાળ બાદ વયનિવૃત્ત થયા છે. તે પહેલાં પોતાનો અંતિમ ચુકાદો તેમણે બુલડોઝર કાર્યવાહીને (Bulldozer Justice) લઈને ચાલતા કેસ પર આપ્યો. જેમાં કહેવામાં આવ્યું કે, બુલડોઝર થકી થતો ન્યાય અસ્વીકાર્ય છે. 

    કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, “કાયદાની રીતે બુલડોઝર જસ્ટિસ એ તદ્દન અસ્વીકાર્ય છે. જો તેની અનુમતિ આપવામાં આવી તો બંધારણના આર્ટિકલ 300A હેઠળ આપવામાં આવેલા સંપત્તિના અધિકારની બંધારણીય માન્યતા જ સમાપ્ત થઈ જશે.” 

    CJI ચંદ્રચૂડ, જસ્ટિસ પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ એક 2019ના કેસ પર સુનાવણી કરી રહી હતી. જેમાં ઉત્તર પ્રદેશ સરકારે બુલડોઝરથી એક વ્યક્તિના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. કોર્ટે ઠેરવ્યું કે કાર્યવાહીમાં યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી ન હતી અને પીડિતને ₹25 લાખ વળતર પેટે આપવાનો આદેશ કર્યો. 

    કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, “બુલડોઝરથી ન્યાય કોઈ પણ ન્યાય વ્યવસ્થા માટે યોગ્ય નથી. જોક કોઈ રાજ્ય કે વિંગને તેની અનુમતિ આપવામાં આવે તો નાગરિકોની સંપત્તિને પ્રતિશોધની ભાવનાથી ધ્વસ્ત કરવામાં આવે એવી પણ શક્યતા છે. નાગરિકોના અવાજને આ રીતે દબાવી શકાય નહીં.”