Saturday, January 25, 2025
More

    દ્વારકા બાદ હવે યાત્રાધામ ચોટીલા પહોંચ્યું દાદાનું બુલડોઝર: હાઇવેથી ડુંગર જતાં રસ્તા પરથી હટાવાયું દબાણ, અનેકો બાંધકામ ધ્વસ્ત

    દેવભૂમિ દ્વારકામાં (Devbhumi Dwarka) એક અઠવાડિયા સુધી મેગા ડિમોલિશન (Mega Demolition) કાર્યવાહી હાથ ધર્યા બાદ હવે પવિત્ર યાત્રાધામ ચોટીલા (Chotila) ખાતે પણ બુલડોઝર (Bulldozer) પહોંચી ગયા છે. જાણવા મળી રહ્યું છે કે, પવિત્ર યાત્રાધામ ચોટીલામાં વહીવટીતંત્રએ બુલડોઝર કાર્યવાહી હાથ ધરી છે. જે અનુક્રમે ડુંગરની તળેટીમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીમાં 200થી વધુ બાંધકામોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

    ચોટીલા વહીવહીતંત્રની સાથે મોટી સંખ્યામાં પોલીસના જવાનો પણ હાજર હતા. તંત્ર દ્વારા અગાઉથી જ વિવિધ બાંધકામ અને દુકાનદારોને નોટિસ પાઠવવામા આવી હતી. પરંતુ, તેમ છતાં દબાણ ન હટાવતા ચોટીલા ડેપ્યુટી કલેકટરની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે.

    નોંધવા જેવું છે કે, ચોટીલામાં કાર્યવાહી શરૂ થયા પહેલાં દ્વારકામાં પણ મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે હેઠળ 7 ટાપુઓને દબાણમુક્ત બનાવવામાં આવ્યા હતા. આ સાથે જ અનેક દરગાહો અને મઝહબી બાંધકામો પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત જામનગર જિલ્લામાં પણ આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે ચોટીલામાં પણ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાઈ છે.