Saturday, March 22, 2025
More

    ફતેહપુરની નૂરી જામા મસ્જિદ પર ફર્યું ‘બાબાનું બુલડોઝર’: ભારે સુરક્ષા વચ્ચે બાંધકામનો પાછલો ભાગ કરાયો જમીનદોસ્ત

    યુપીના (UP) ફતેહપુર (Fatehpur) જિલ્લાના લલૌલી શહેરમાં સદર બજાર સ્થિત નૂરી જામા મસ્જિદનો (Noori Jama Masjid) પાછળનો ભાગ મંગળવારે (10 ડિસેમ્બર 2024) સવારે બુલડોઝર (Bulldozer) વડે તોડી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ADM અવિનાશ ત્રિપાઠી અને ASP વિજયશંકર મિશ્રાના નેતૃત્વમાં થઈ હતી. કાર્યવાહી દરમિયાન ભારે પોલીસદળ, પીએસી અને આરએએફ તૈનાત કરવામાં આવ્યા હતા.

    અહેવાલો અનુસાર, PWD વિભાગે ફતેહપુરની નૂરી મસ્જિદ સમિતિને નોટિસ પાઠવી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, મસ્જિદનો પાછળનો ભાગ ગટરના બાંધકામ માટે અતિક્રમણ હેઠળ આવી રહ્યો છે. મસ્જિદ કમિટીએ અતિક્રમણ દૂર કરવા માટે એક મહિનાનો સમય માંગ્યો હતો. આ સરવેમાં 133 અન્ય મકાનો અને દુકાનો પણ અતિક્રમણ હેઠળ જોવા મળી હતી.

    મસ્જિદ સમિતિના સચિવ સૈયદ નૂરીએ કહ્યું કે, અલ્હાબાદ હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટ પર સુનાવણી 13 ડિસેમ્બરે હતી, પરંતુ પ્રશાસને તે પહેલાં જ કાર્યવાહી કરી હતી. દરમિયાન ASP વિજયશંકર મિશ્રાએ કહ્યું છે કે, આ કાર્યવાહી નિયમો અનુસાર કરવામાં આવી છે અને શાંતિ અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. રેવન્યુ ટીમ પણ સ્થળ પર હાજર હતી.