Thursday, July 10, 2025
More

    પાકિસ્તાનના કરાંચીમાં જર્જરિત ઇમારત તૂટવાથી 16નાં મોત, પ્રશાસને કહ્યું– બિલ્ડિંગમાં રહેતા લોકોનો જ વાંક

    પાકિસ્તાનના કરાંચીમાં એક જર્જરિત ઇમારત ધસી પડતાં 16 લોકોનાં મોત થયાં અને 13થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. શુક્રવારે સવારે બનેલી ઘટના બાદ શનિવારે પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ રહ્યું હતું. 

    નજરે જોનારાઓએ કહ્યું કે પહેલાં તિરાડો પડવાનો અવાજ આવ્યો અને ત્યારબાદ ઇમારત તૂટી પડી. હજુ કાટમાળમાં આઠેક લોકો દબાયેલા હોવાનું કહેવાય રહ્યું છે, જેમને બચાવવા માટે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. 

    ઘટના બાદ સ્થાનિક પ્રશાસને હાથ ઊંચા કરી દીધા છે અને કહ્યું કે 2022, 2023 અને 2024માં નોટિસ પાઠવવામાં આવી હતી અને ઇમારતને અસુરક્ષિત ઘોષિત કરવામાં આવી હતી, પણ તેની ઉપર કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું. એક અધિકારીએ એમ પણ કહી દીધું કે રહેવાસીઓએ નોટિસને ગંભીરતાથી લીધી ન હતી. 

    સિંધ બિલ્ડિંગ કંટ્રોલ ઓથોરિટીએ દાવો કર્યો કે તેમણે બિલ્ડિંગને ‘જોખમી’ ઘોષિત કરી રાખ્યું હતું અને વારંવાર નોટિસ મોકલી હતી. પરંતુ રહેવાસીઓનું કહેવું છે કે તેમને આ પ્રકારની કોઈ જાણ કરવામાં આવી ન હતી. કરાંચીના કમિશનર હસન નકવીએ ઘટનાના 13 કલાક બાદ સ્થળની મુલાકાત લીધી અને ઘટનાનો દોષ બિલ્ડિંગના રહેવાસીઓ પર જ નાખી દીધો હતો.