Saturday, February 1, 2025
More

    શિક્ષણમાં AI માટે સેન્ટર ઑફ એક્સલન્સની સ્થાપના, મેડિકલમાં વધારાશે બેઠકો: શિક્ષણ ક્ષેત્ર માટે બજેટમાં મોટી જાહેરાતો

    નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્રમાં એલાન કર્યું કે શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે કુલ ₹500 કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સીલેન્સની સ્થાપના કરવામાં આવશે.

    આ ઉપરાંત તબીબી શિક્ષણના વિસ્તરણ અંતર્ગત 10 વર્ષમાં 1.1 લાખ યુજી અને પીજી બેઠકો ઉભી કરવામાં આવશે. તથા આગામી વર્ષમાં મેડિકલ ક્ષેત્રે 10,000 વધારાની બેઠકો ઉમેરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ઉપરાંત 5 વર્ષમાં મેડિકલ ક્ષેત્રે 75,000 બેઠકો વધારવાની યોજના છે. ઉપરાંત ત્રણ વર્ષમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે-કેર કેન્સર સેન્ટરો સ્થાપવાની યોજના, જેમાં 2025-26માં જ 200 સેન્ટરો સ્થાપશે.

    કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3થી પાંચ લાખ, મહિલા ઉદ્યમીઓ માટે યોજના પણ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત FM બિહારના ખેડૂતો માટે મખાના બોર્ડની જાહેરાત, ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા માટે 6 વર્ષનું મિશન, IIT પટનાનો વિસ્તાર જેના પરિણામે 6000 જેટલા વધુ વિદ્યાર્થીઓ લાભ મેળવી શકશે. આ સિવાય ઇન્ડિયન પોસ્ટને લઈને જાહેરાતો, IITસ્માં ટેક્નોલોજિકલ રિસર્ચ માટે 10 હજાર PM સ્કોલરશિપ સહિતની જાહેરાતોનો સમાવેશ થાય છે.

    આ ઉપરાંત સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 યોજનાના ખર્ચના ધોરણોમાં વધારો, આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ, તમામ ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.