Thursday, June 19, 2025
More

    વતન પરત ફર્યા BSF જવાન પૂર્ણમ કુમાર, અટારી સરહદેથી પાકિસ્તાને પરત મોકલ્યા: 20 દિવસથી હતા પાડોશી દેશની કસ્ટડીમાં

    પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલા બાદ ભારત અને પાડોશી આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ વચ્ચે ઉત્તર સરહદેથી બોર્ડર સિક્યુરિટી ફોર્સના (BSF) એક જવાનને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા. આખરે ત્રણ સપ્તાહ બાદ તેમને પરત કરી દેવામાં આવ્યા છે. 

    બુધવારે (14 મે) પાકિસ્તાની સેનાએ BSF જવાન પૂર્ણમ કુમારને અટારી-વાઘા સરહદેથી પરત મોકલી દીધા હતા. તેઓ સવારે 10:30 વાગ્યે વતન પરત ફર્યા. હાલ તેઓ BSF મુખ્યમથક પહોંચ્યા છે. 

    પૂર્ણમ કુમાર છેલ્લા લગભગ 20 દિવસથી પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં હતા. BSFએ એક વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે જવાનને પરત સોંપવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે અને તમામ પ્રોટોકોલ મુજબ પૂર્ણ કરવામાં આવી હતી. 

    ઉલ્લેખનીય છે કે ગત 23 એપ્રિલના રોજ BSF જવાન ભૂલથી સરહદ પાર કરી ગયા હતા, ત્યારબાદ પાકિસ્તાની રેન્જરોએ તેમને પકડી લીધા હતા. તેઓ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં તહેનાત હતા. તેઓ આરામ કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનીઓ પકડી લઈ ગયા હતા તેવું જાણવા મળ્યું હતું. ઘટના 22 એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલાના બીજા જ દિવસે બની હતી. 

    જોકે આ અપવાદરૂપ ઘટના નથી. સરહદ પર આવા બનાવો બનતા રહે છે. બંને દેશોની સેનાઓ વચ્ચે ફ્લેગ મીટિંગ થયા બાદ જવાનોને પરત કરી દેવામાં આવે છે. ભારતે પણ થોડા દિવસ પહેલાં એક પાકિસ્તાની રેન્જર પકડ્યો હતો.