ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રક્ષામંત્રી રાજનાથ સિંધે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ ઉત્પાદન એકમનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન કરાયેલ આ યુનિટ દર વર્ષે 80થી 100 મિસાઈલોનું ઉત્પાદન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, આતંકવાદ કુતરાની પૂંછડી છે, જે ક્યારેય સીધી નહીં થાય. તેને તે જ ભાષામાં જવાબ આપવો પડશે. વધુમાં તેમણે કહ્યું કે, “હવે આપણે પોતે બ્રહ્મોસ બનાવવાનું શરૂ કરીશું. બ્રહ્મોસ મિસાઇલની શક્તિ તમે ઑપરેશન સિંદૂરમાં જોઈ હશે. જો નથી જોઈ તો પાકિસ્તાનીઓને પૂછજો કે બ્રહ્મોસ મિસાઇલની તાકાત શું છે?”
નોંધનીય છે કે, આ સમારોહમાં રક્ષામંત્રીએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું અને ભારતના આતંકવાદ વિરુદ્ધના પોતાના કડક વલણનું પુનરાવર્તન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હવે આ નવું ભારત છે. ભારતીય સેના માત્ર સરહદ પર જ નહીં, પરંતુ રાવલપિંડી સુધી ઘૂસી ગઈ હતી.