Sunday, July 13, 2025
More

    ઇમરજન્સી દરમિયાન RSS પ્રચારક તરીકે પીએમ મોદીએ કઈ રીતે આપી હતી લડત, પુસ્તકમાં જાણવા મળશે: કટોકટીની પચાસમી વર્ષગાંઠ પર થયું પ્રકાશિત

    ભારતીય લોકશાહીના કલંકિત પ્રકરણ ‘ઇમરજન્સી’ની (Emergency) પચાસમી વર્ષગાંઠ ઉપર બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશને એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, જેનું શીર્ષક છે– ‘ધ ઇમરજન્સી ડાયરીઝ- યર્સ ધેટ ફોર્જ્ડ અ લીડર.’ 

    પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) આપાતકાળ દરમિયાનના દિવસો અને તેમના પ્રત્યક્ષ અનુભવો ઉપર આધારિત છે. એક યુવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રચારક તરીકે તેમણે ઇમરજન્સી સામે કઈ રીતે લડત આપી હતી તેની ઉપર પુસ્તક આધારિત છે. ઉપરાંત, એ દિવસોએ તેમના જીવન અને ખાસ કરીને રાજકારણ ઉપર કેવી અસર પાડી, તેની ઉપર પણ ખાસ્સો પ્રકાશ પાડવામાં આવ્યો છે. 

    પુસ્તકની પ્રસ્તાવના પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાએ લખી છે. તેનું વિમોચન 25 જૂનની સાંજે ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવશે. 

    જાણકારી આપતાં વડાપ્રધાન મોદીએ લખ્યું કે, “ઇમરજન્સી લાગુ થઈ ત્યારે હું યુવા RSS પ્રચારક હતો. આપાતકાળ વિરોધી લડત મારા માટે એક અલગ અનુભવ હતી. આ લડત લોકશાહીનું મૂળભૂત માળખું જાળવી રાખવાની મહત્તા ફરી એક વખત પુરવાર કરી હતી. મને રાજકારણના અનેક લોકોથી ઘણું શીખવા મળ્યું.”

    આગળ તેમણે ઉમેર્યું, “મને આનંદ એ વાતનો છે કે બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશને મારા એ અનુભવાઓમાંથી અમુકને ચૂંટીને એક પુસ્તકના સ્વરૂપમાં સંકલિત કર્યા છે. જેની પ્રસ્તાવના એચ. ડી દેવેગૌડાએ લખી છે, જેઓ પોતે પણ આપાતકાળવિરોધી આંદોલનના એક દિગ્ગજ નેતા હતા.”