Friday, June 20, 2025
More

    હેડગેવાર સ્મારકની રેકી કરનાર જૈશ-એ-મહોમ્મદના આતંકવાદી રઈસ અહેમદ શેખની જામીન અરજી બોમ્બે હાઇકોર્ટે ફગાવી

    બોમ્બે હાઇકોર્ટની (Bombay High Court) નાગપુર બેન્ચે જમ્મુ અને કાશ્મીરના રહેવાસી અને  જૈશ-એ-મોહમ્મદના (Jaish-e-Mohammed) આતંકવાદી રઈસ અહેમદ શેખ અસદુલ્લાહ શેખની જામીન અરજી (Bail Refuse) ફગાવી દીધી છે. રઈસ અહેમદ શેખ પર RSSના સ્થાપક ડૉ. કે બી હેડગેવારના સ્મારકની રેકી કરવાનો આરોપ છે.

    રઈસ અહેમદ શેખની 15 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ શહેરના રેશીમબાગ વિસ્તારમાં સ્થિત RSSના સ્થાપકના સ્મારક ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની રેકી કરવાના આરોપમાં 2022માં ધરપકડ કરવામાં આવી હતી. તેણે આ મહિનાની શરૂઆતમાં પુરાવાનો અભાવ હોવાનો દાવો કરીને જામીન માટે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

    જસ્ટિસ નીતિન સૂર્યવંશી અને જસ્ટિસ પ્રવીણ પાટીલની ડિવિઝન બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. શેખ હાલમાં નાગપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. એવો આરોપ છે કે રેકી કર્યા પછી, શેખે પાકિસ્તાનમાં તેના હેન્ડલરને માહિતી આપી હતી.

    એડવોકેટ નિહાલસિંઘ રાઠોડના માધ્યમથી દાખલ કરાયેલી જામીન અરજીમાં, શેખે દાવો કર્યો હતો કે કોઈ પુરાવા નથી કે તે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે સંબંધિત સ્થળોની રેકી કરી રહ્યો હતો. વકીલે દલીલ કરી હતી કે, શેખની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમના (UAPA) દાયરામાં આવતી નથી.

    જોકે, સરકારી વકીલ દેવેન્દ્ર ચૌહાણે કોર્ટને જણાવ્યું હતું કે શેખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલો હતો તે દર્શાવવા માટે પૂરતા પુરાવા છે. તેમણે કહ્યું કે તેની પ્રવૃત્તિઓ ભવિષ્યમાં આતંકવાદી હુમલાને પ્રોત્સાહન આપવાના હેતુથી હતી અને તેથી તે UAPA હેઠળ આતંકવાદી કૃત્યમાં આવશે.

    બંને પક્ષોની દલીલ સાંભળ્યા પછી કોર્ટે રઈસને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને જામીન અરજી ફગાવી દીધી હતી.